નેશનલ

કોણ છે નીતિન ગડકરીના આદર્શ? ભાજપના વિકાસ પુરુષ વિશે નીતિન ગડકરીએ પોડકાસ્ટમાં કર્યો ખુલાસો

નવી દિલ્હી: આજના સમયમાં પોડકાસ્ટનું ચલણ વધ્યું છે. ફિલ્મી હસ્તીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને હવે તો રાજકારણીઓ પણ પોડકાસ્ટમાં વાત કરવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક મીડિયા ચેનલના પોડકાસ્ટમાં ભાગ લીધો હતો અને પોતાના જીવન વિશે તથા દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી હતી. પોડકાસ્ટમાં નીતિન ગડકરીએ કંઈ કંઈ રસપ્રદ વાત કરી આવો જાણીએ.

ધો. 12માં ઓછા ટકા આવ્યા, એન્જિનિયર ન બની શક્યો

નીતિન ગડકરી પાસે આજે 13 માનદ ડોક્ટરેટની ડિગ્રીઓ છે. પરંતુ અભ્યાસકાળ દરમિયાન તેઓનું સપનું પુરૂ થયું ન હતું. પોડકાસ્ટમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, “ધોરણ 12માં મારા માત્ર 52 ટકા આવ્યા હતા. હું એન્જિનિયરિંગના એડમિશનની પરીક્ષા પણ ક્વોલીફાય કરી શક્યો ન હતો.ઓછા ટકા આવવાના કારણે હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શક્યો ન હતો.” પોતાના સમાજકાર્ય વિશે તેમણે જણાવ્યું કે, હું મૂળીયા સાથે જોડાયેલો કાર્યકર્તા છું. મારા માટે રાજનીતિ સામાજિક-આર્થિક સુધારાનું એક ટૂલ છે. હું 90 ટકા સમાજ સુધાર અને 10 ટકા રાજનીતિ કરૂં છું. ગડકરીના જણાવ્યાનુસાર, શિક્ષણ, કૃષિ, હેન્ડિક્રાફ્ટ અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ઘણું કામ કરૂ છું.

ટીકાથી હું ગભરાતો નથી: નીતિન ગડકરી

જેમાં ઇન્ટરવ્યુઅરે તેમના મંત્રાલય અંગે સવાલ કરતા પૂછ્યું હતું કે, ટોલ ફીને લઈને મીમ્સ બનાવીને તમને ટ્રોલ કરવામાં આવે છે, આ અંગે તમે શું માનો છો? નીતિન ગડકરીએ જવાબમાં કહ્યું હતું કે, “હું ટીકાથી સ્હેજપણ ગભરાતો નથી. મેં તમામ મીમ્સ જોયા છે. ‘મેં નિકલા ગડ્ડી લેકે, ટોલ આયા…’ ગદ્દરવાળુ આ મીમ્સ મારું ફેવરેટ છે.” લોકોના ગુસ્સાનો સ્વીકાર કરતા તેમણે ટોલ વસૂલવાની પ્રક્રિયાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, “ટોલ ફીથી જરૂર વિકાસ કાર્ય થાય છે. દેશમાં 72 લાખ કિલોમીટર લાંબો રસ્તો છે. જે પૈકી માત્ર 1.5 લાખ કિમીનો નેશનલ હાઈવે છે. જેના માટે હું જવાબદાર છું. જો મારા રસ્તાઓ પર કોઈ સમસ્યા હશે તો હું કોન્ટ્રાક્ટર અને અધિકારીને છોડીશ નહીં.

વિકાસ પુરુષ માત્ર એક જ છે, મારા આદર્શ…

પોડકાસ્ટમાં નીતિન ગડકરીના આદર્શ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “જ્યોર્જ ફર્નાન્ડિસ મારા આદર્શ છે, હું તેમની નજીક રહ્યો છું. તેમણે મારી રાજનીતિક વિચારધારાને આકાર આપ્યો છે. મેં અન્ય પક્ષના નેતાઓ પાસેથી પણ પ્રેરણા લીધી છે. જેમાં કમ્યુનિસ્ટ પક્ષના એબી વર્ધન સહિતના કૉંગ્રેસના અનેક મોટા નેતાઓનો સમાવેશ થાય છે. સારાપણું એ કોઈ એક પક્ષની જાગીર નથી.

આપણ વાંચો:  ઘરમાં રાધિકાનો શ્વાસ રૂંધાતો હતો, પરિવારે લગાવ્યા હતા અનેક પ્રતિબંધ: બેસ્ટ ફ્રેન્ડે વીડિયોમાં કહી ઈમોશનલ વાત

ગડકરી વિપક્ષના નેતાઓમાં પણ લોકપ્રિય છે. આ અંગે તેમણે જણાવ્યું કે, મારી સાથી નેતા હોય કે વિપક્ષના નેતા હોય. જે પણ મારી પાસે આવે છે, હું તેમનું કામ કરી આપું છું. વાજપેયીજીએ અમને શિખવાડ્યું છે કે, પ્રધાન મંડળની સાથોસાથ દેશ પણ સંબંધ રાખે છે.

પોડકાસ્ટ દરમિયાન ઇન્ટવ્યુઅરે કહ્યું હતું કે, તમારા પક્ષને વિકાસ પુરુષ કહેવામાં આવે છે. પરંતુ નીતિન ગડકરીએ આ વાત નકારી હતી. તેમણે જણાવ્યું કે, “આજની તારીખમાં વાસ્તવિક વિકાસ પુરુષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમના નેતૃત્ત્વમાં અમે એ મેળવ્યું છે, જે કૉંગ્રેસે 60 વર્ષમાં કર્યું નથી.” પોતાની કામગીરી અંગે તેમણે જણાવ્યું કે, હું માત્ર મારું કામ કરી રહ્યો છું. હું સારું કરી રહ્યો છું કે ખરાબ કરી રહ્યો છું. આ અંગે લોકો નિર્ણય કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button