‘સરકાર સામે કોર્ટમાં અરજીઓ દાખલ કરે એવા લોકોની જરૂર છે’ નીતિન ગડકરી આવું કેમ કહ્યું?

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરથી લોકસભાના સાંસદ અને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) સ્પષ્ટ વક્તા તરીક જાણીતા છે. ભાજપ શાસિત કેન્દ્ર સરકારની ખામીઓ અંગે પણ તેઓ જાહેરમાં નિવેદનો આપી ચુક્યા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ આપેલા એક નિવેદનની હાલ ચર્ચા થઇ રહી છે. તેમણે કહ્યું કે વહીવટમાં શિસ્ત જળવાઈ રહે એ માટે સરકાર સામે કોર્ટ કેસ દાખલ કરે એવા નાગરીકોની સમાજને જરૂર છે.
નાગપુરમાં સ્વ. પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશળ સંઘટક પુરસ્કાર સમારોહમાં સંબોધન આપતા ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર ન કરી શકે એવા કામ કોર્ટના આદેશથી ઝડપથી થઇ જાય છે.
લોકપ્રિયતાનું રાજકારણ બાધારૂપ:
ગડકરીએ કહ્યું, “સમાજમાં કેટલાક લોકો એવા હોવા જોઈએ જે સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજીઓ દાખલ કરે. તેના કારણે રાજકારણીઓને શિસ્તબદ્ધ રહે છે, કોર્ટનાં આદેશ જે કામ કરી શકે છે એ સરકારમાં બેઠલા મંત્રીઓ પણ શકતા નથી. રાજકારણીઓ અને મંત્રીઓને લોકપ્રિયતાનું રાજકારણ નડે છે.”
ગડકરીએ કહ્યું કે આ કાર્યક્રમમાં સન્માનિત થયેલા લોકોએ સરકાર સામે આવી ઘણી કાયદાકીય લડાઈઓ લડી હતી. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં ખોટા સરકારી નિર્ણયો સામે ઘણા કોર્ટ કેસ દાખલ કર્યા હતા અને ઘણા કિસ્સાઓમાં સરકારને તેમના નિર્ણયો પાછા ખેંચવાની ફરજ પણ પાડી હતી.