‘મારી પાસે પૈસાની કોઈ કમી નથી…’ નીતિન ગડકરીએ જાહેરમાં આવું કેમ કહ્યું? | મુંબઈ સમાચાર
નેશનલ

‘મારી પાસે પૈસાની કોઈ કમી નથી…’ નીતિન ગડકરીએ જાહેરમાં આવું કેમ કહ્યું?

નાગપુર: ભારત સરકારની ઇથેનોલ પોલિસી મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા નીતિન ગડકરીએ આરોપોનો જવાબ આપ્યો છે. ગડકરીએ કહ્યું કે તેઓ જે કંઈ પણ કરે છે એ ખેડૂતોના ફાયદા માટે કરે છે, તેનો કમાણી સાથે કોઈ સંબંધ નથી.

નાગપુરમાં એગ્રીકોસ વેલ્ફેર સોસાયટીના એક કાર્યક્રમમાં સંબોધન આપતા ગડકરીએ કહ્યું, “કે મારા મગજની એક મહિનાની કિંમત 200 કરોડ રૂપિયાની છે, મારી પાસે પૈસાનો કોઈ ખોટ નથી.”

‘હું કોઈ દલાલ નથી…’

કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું, “તમને શું એવું લાગે છે કે હું પૈસા માટે આ બધું કરી રહ્યો છું? હું કોઈ દલાલ નથી, પ્રામાણિકપણે પૈસા કેવી રીતે કમાવવા એ મને અવડે છે. ઘણા રાજકારણીઓ લોકોને લડાવીને પોતાનો ફાયદો કમાય છે, પણ હું એમાંનો નથી. વિદર્ભમાં 10 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી એ શરમજનક બાબત છે. જ્યાં સુધી આપણા ખેડૂતો સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી અમારા પ્રયત્નો ચાલુ રહેશે.”

નીતિન ગડકરીએ દીકરાના વ્યવસાય અંગે કરી વાત:

તેમના દીકરાના વ્યવસાય પર લાગેલા આરોપો વિશે સ્પષ્ટતા કરતા નીતિન ગડકરીએ કહ્યું, “મારો દીકરો ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો બિઝનેસ કરે છે. હું ફક્ત તેને આઈડિયા આપવાનું કામ કરું છું. તાજેતરમાં તેણે ઈરાનથી સફરજનના 800 કન્ટેનર મંગાવ્યા અને ભારતથી 100 કન્ટેનર કેળા મોકલ્યા. ગોવાથી સર્બિયામાં માછલીના 300 કન્ટેનર મોકલ્યા. ઓસ્ટ્રેલિયામાં દૂધમાંથી બનતી પેદાશોની ફેક્ટરી ચાલુ કરી છે.’

ગડકરી એ કહ્યું કે, “મારો દીકરો ITC સાથે ભાગીદારીથી 26 ચોખાની મિલો ચલાવે છે. મને પાંચ લાખ ટન ચોખાના લોટની જરૂર છે. તેથી તે મિલ ચલાવે છે અને હું તેમની પાસેથી લોટ ખરીદું છું. આ એક ઉદાહરણ છે કે વ્યવસાયમાં રસ ધરાવતા લોકો કૃષિ ક્ષેત્રમાં કેવી રીતે તકો ઊભી કરી શકે છે.”

શું છે ઇથેનોલ પોલિસી અને વિવાદ:

ભારત સરકારે વર્ષ 2023થી 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20) ની પોલિસી લાગુ કરી છે. સરકારે દાવો કર્યો કે કાર્બન એમીશન ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા માટે આ પોલિસી લાગુ કરી છે. ઇથેનોલ શેરડીના કુચામાંથી બનતો હોવાથી શેરડીના ખેડૂતોને પણ આ પોલિસીથી લાભ થશે

જયારે કેટલાક કન્ઝ્યુમર અને ઓટોમોબાઈલ એક્સપર્ટ્સે ઇથેનોલ-મિશ્રિત ફયુલ વાપરવા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમના દાવા મુજબ E20ના વપરાશથી વાહનની કાર્યક્ષમતા અને લાઈફ ઘટે છે.

પેટ્રોલપંપ પર ઇથેનોલ-મિશ્રિત ફયુલ સાથે ઇથેનોલ-મુક્ત પેટ્રોલ(E0) ઉપલબ્ધ રહે એ માટે સરકારને આદેશ આપવા માંગ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો…દૂરિયાં નઝદીકીયાં બન ગઈઃ વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં નીતિન ગડકરીના નવા મિત્ર કોણ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button