ઘાયલ થયા પ્રતાપ સારંગી તો ગુસ્સે થયા નિશિકાંત દુબે, જાણો રાહુલ ગાંધીને શું બોલ્યા
બાબાસાહેબ આંબેડકર અંગે સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ આક્રમક થઇ છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ કોંગ્રેસને ઘેરી રહી છે. આ અંગે આજે ભાજપ અને કોંગ્રેસે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે ધક્કામુક્કી પણ જોવા મળી હતી. આ ધક્કામુક્કીમાં સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત સીડી પરથી નીચે પડી ગયા હતા. પ્રતાપ સારંગીનો આરોપ છે કે તેમને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હતો.
પ્રતાપ સારંગી ઘાયલ થયાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ઘાયલ અવસ્થામાં જમીન પર બેઠા છે અને નજીકમાં જ ભાજપ સાંસદો ઊભા છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી નજીક આવતા જોવા મળ્યા હતા, જે બાદ નિશિકાંત દુબેએ તેમને ઠપકો આપ્યો હતો અને તેમના પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો.
આપણ વાંચો: આંબેડકર મુદ્દે અમિત શાહે કૉંગ્રેસને આડેહાથ લીધી, ખડગેને પણ આપી સલાહ
નિશિકાંત દુબે આ વીડિયોમાં કહી રહ્યા છે કે તમે ગુંડાગીરી કરો છો, તમે વૃદ્ધોને ધક્કો મારો છો. તમારામાં માનવતા નથી. આના પર રાહુલ ગાંધીનો જવાબ આવે છે, અને તેઓ કહે છે કે બસ આટલો જ ધક્કો માર્યો છે.
રાહુલે એમ પણ કહ્યું હતું કે તેમણે પણ મને ધક્કો માર્યો હતો. જેના પર ભાજપના સાંસદ ગુસ્સે થઈ ગયા અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. ભાજપના સાંસદોએ ગુસ્સો દર્શાવ્યા બાદ રાહુલ ગાંધી નીકળી ગયા હતા.
પ્રતાપ સારંગીએ રાહુલ ગાંધી પર પ્રતાપ સારંગીની ઇજાને લઇને ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ સીડી પર ઊભા હતા ત્યારે રાહુલ ગાંધીએ આવીને ભાજપના સાંસદ મુકેશ રાજપૂતને ધક્કો માર્યો હતો, જેને કારણે મુકેશ પ્રતાપ સારંગી પર પડ્યા હતા અને તેમને ઇજા થઇ હતી.
આપણ વાંચો: બંધારણ બદલવાના ભાજપના નેતાઓના દાવાને PMએ ફગાવ્યો, ‘બાબાસાહેબ પણ આવીને કહે તો પણ…
મુકેશ રાજપુત અને પ્રતાપ સારંગી બંને ઘાયલ થયા છે અને તેમને હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ બંનેની હૉસ્પિટલમાં મુલાકાત લીધી છે અને તેમણે કૉંગ્રેસ પર સંસદની મર્યાદા તોડવાનો આરોપ લગાવ્યો છે.