મણિપુરના બે જિલ્લામાંથી નવ આતંકીઓની ધરપકડ

ઇમ્ફાલઃ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ અને થોબલ જિલ્લામાંથી સુરક્ષા દળોએ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા નવ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ જાણકારી પોલીસે શનિવારે આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અપહરણ અને ખંડણી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી(નોયોન)ના ચાર સક્રિય સભ્યોની શુક્રવારે થૌબલ જિલ્લાના ચિંગડોમપોક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ શુક્રવારે અન્ય એક અભિયાનમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખાબેઇસોઇ વિસ્તારમાંથી ખંડણી પ્રવૃતિમાં સામેલ કેસીપી(પીડબ્લ્યુજી)ના ચાર સક્રિય સભ્યોની ધરપકડ કરી હતી.
આપણ વાંચો: મણિપુરના 3 જિલ્લામાંથી 5 આતંકીની ધરપકડ…
પોલીસે શુક્રવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નુંગોઇ અવંગ લીકાઇ વિસ્તારમાંથી યુએનએલએફ(પંબાઇ)ના એક સક્રિય સભ્યની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ ખંડણીની પ્રવૃતિઓ અને ઇમ્ફાલ શહેર અને તેની આસપાસ હથિયારો અને દારુગોળાના પરિવહનમાં સામેલ હતો. તેમની પાસેથી એક .૩૨ પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.
દરમિયાન સુરક્ષા દળોએ શુક્રવારે કાકચિંગ જિલ્લાના હિયાંગલામ નાતેખોંગ થોંગજિન વિસ્તારમાં નદી કિનારેથી બે સિંગલ-બેરલ ગન, એક મોડિફાઇડ સ્નાઇપર રાઇફલ, એક દેશી બનાવટની પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર આઇઇડી, ઇન્સાસ રાઇફલની જીવંત ગોળીઓ, એક નવ એમએમ પિસ્તોલની સાથે બે હેન્ડસેટ અને એક ચીની બનાવટનો ડ્રોન જપ્ત કર્યો હતો.