દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAએ પૂછપરછ બાદ 3 ડોક્ટર સહિત 4 ને છોડી મુક્યા, જાણો કારણ

નવી દિલ્હી: અગત અઠવાડિએ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ વિસ્ફોટની તાપસ કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ અલ ફલાહ યુનિવર્સીટીના કેટલાક ડોકટરો અને તેમની સથે જોડાયેલા કેટલાક લોકોની અટકાયત કરી હતી. એવામાં અહેવાલ છે કે પુછપરછ બાદ NIAએ ત્રણ ડોક્ટરો સહિત ચાર લોકોને છોડી મુક્યા છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ (https://www.indiatoday.in/india/story/nia-releases-three-doctors-fertiliser-dealer-delhi-red-fort-blast-no-evidence-2820714-2025-11-16) મુજબ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી, ડૉ. ઉમર ઉન નબી સાથે જોડાણના કોઈ નક્કર પુરાવા ન મળતા NIAના અધિકારીઓએ ચાર લોકોને છોડી મુક્યા છે. જોકે, NIA તેમના પર સતત દેખરેખ રાખશે.
અહેવાલ મુજબ, તાજેતરમાં હરિયાણાના નૂહમાંથી ડૉ. રેહાન, ડૉ. મોહમ્મદ, ડૉ. મુસ્તકીમ અને એક ફર્ટીલાઈઝર ડીલર દિનેશ સિંગલાને અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. આ ડોક્ટરો આરોપી ડૉ.ઉમરના સંપર્કમાં હતા અને અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતાં, અધિકારીઓને શંકા હતી કે આ ડોકટરો ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા હોઈ શકે છે. વિસ્ફોટકો બનાવવા માટેના કેમિકલ સપ્લાય કર્યું હોવાની શંકાને આધારે ફર્ટીલાઈઝર ડીલર દિનેશ સિંગલાની ધરપકડ કરવામાં આવી હતી.
NIAએ કેમ છોડી મુક્યા?
NIAના અધિકારીઓએ ત્રણ દિવસ સુધી તમામનો સઘન પૂછપરછ કરી હતી, જોકે અધિકારીઓને આ ચારેયને દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સાથે જોડતા પુરાવા કે ડિજિટલ ફૂટપ્રિન્ટ મળ્યા નહીં. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું કે પરિવારોએ પુષ્ટિ કરે છે કે તેમને કસ્ટડીમાંથી છોડી મુકવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ મેવાતમાંથી અટકાયતમાં લેવામાં આવેલા સાતમાંથી ચારને છોડી મૂકવામાં આવ્યા છે.
મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ:
હરિયાણાના ફરીદાબાદમાં ખતરનાક ટેરર મોડ્યુલ પકડાતા ખળભળાટ મચી ગયો છે, જેને “વ્હાઈટ કોલર” ટેરર મોડ્યુલ તરીકે ઓળખવામાં આવી રહ્યુ. આ કેસમાં અલ-ફલાહ યુનિવર્સિટીના ડોકટરોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીના દરોડામાં લગભગ 2,900 કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા, ભારતના કેટલાક શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના હતી. આ કાવતરું પકડાઈ જતાં ડૉ. ઉમરે જલ્દી જલ્દીમાં દિલ્હીમાં વિસ્ફોટ કર્યો હતો.
આ પણ વાંચો…ગુજરાત ATS એ ઝડપેલા ત્રણ આતંકીઓની હવે NIA કરશે પૂછપરછ, ચોંકાવનારી વિગતો આવી શકે છે સામે



