ISIS ભરતી કેસમાં તમિલનાડુ-તેલંગાણામાં NIAના દરોડા, 30 જગ્યાએ તપાસ ચાલુ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ‘ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા’ (ISIS) ના કટ્ટરપંથી એજન્ડા ફેલાવવા અને ભરતી કરવાના કેસના સંબંધમાં તમિલનાડુ અને તેલંગાણામાં 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. હાલમાં, કોઈમ્બતુરમાં 21 સ્થળો, ચેન્નાઈમાં 3 સ્થળો, હૈદરાબાદ/સાયબરાબાદમાં 5 સ્થાનો અને તેનકસીમાં 1 સ્થાન પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIA આતંકવાદી સંગઠન ISISને ભારતમાં પગ જમાવતા રોકવા માટે સતત પગલાં લઈ રહી છે.
NIAની આ કાર્યવાહી તમિલનાડુ અને તેલંગાણામાં ફેલાયેલા ISIS મોડ્યુલ સામે ચાલી રહી છે. NIAએ તાજેતરમાં તમિલનાડુ અને તેલંગાણામાં આતંક ફેલાવવાના કાવતરામાં ISISની ભૂમિકાની તપાસ માટે કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધાયા બાદ NIAએ બંને રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડાનો હેતુ ISIS સાથે જોડાયેલા લોકોને પકડવાના છે, જેમને વિદેશમાં બેઠેલા આકાઓએ આતંક ફેલાવવાની જવાબદારી સોંપી છે.
અગાઉ, NIAએ ઝારખંડ મોડ્યુલ સંબંધિત કેસમાં ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. NIA અધિકારીઓએ જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફૈઝાન અંસારીની જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ બાદ જ આ દરોડો પાડવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની નજીક રહેવાસ વખતે ફૈઝાન કેટલાક ઉગ્રવાદીઓના સંપર્કમાં આવ્યો હતો. છ રાજ્યોમાં નવ જગ્યાએ પાડવામાં આવેલા દરોડામાં રાહુલ સેન ઉર્ફે ઓમર બહાદુર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે દરોડા દરમિયાન લેપટોપ, પેન ડ્રાઈવ, મોબાઈલ ફોન વગેરે જેવા ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય NIA દ્વારા વાંધાજનક સામગ્રી, એક ચાકુ અને ISIS સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.