ટ્રક અને કારના અકસ્માતમાં નવપરણિત યુગલ અને કારમાં બેઠેલા તમામ લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ….

રાયપુર: છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં દસ ડિસેમ્બરના રોજ જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રકે કારને ટક્કર મારતાં કારમાં મુસાફરી કરી રહેલા નવપરિણીત યુગલ સહિત પાંચ લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના મુલમુલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પાકરીયા ઝુલન ગામ નજીક વહેલી સવારે બની હતી જ્યારે શિવનારાયણ નગરથી બલૌદા લગ્ન કરીને જાન પરત ફરી રહી હતી.
જિલ્લાના બલોદા ગામના રહેવાસી શુભમ સોનીના લગ્ન નવ ડિસેમ્બરના રોજ રાત્રે શિવનારાયણ નગરમાં થયા હતા. વરરાજા, કન્યા અને પરિવારના અન્ય ત્રણ સભ્યો તેમની કારમાં બલૌદા પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતી ટ્રકે ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.
જ્યારે ટ્રકે ટક્કર મારી ત્યારે વરરાજા ખૂબજ ગંભીર રીતે ઘાયલ થયો હતો આથી તેને સારવાર માટે તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હોસ્પિટલ પહોંચતા જ તેનું મોત થયું હતું. આ ઉપરાંત વરરાજાના પિતા ઓમપ્રકાશ સોનીનું પણ ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું જે પોતે કાર ચલાવતા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. જો કે ટ્રક ડ્રાઈવર અકસ્માત બાદ ટ્રક છોડીને તરતજ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે કેસ નોંધીને ટ્રક ડ્રાઈવરની તપાસ હાથ ધરી છે.