દિશા પટણીના ઘરે ફાયરિંગ કેસમાં નવો વળાંક: રેકી કરનારાનું એન્કાઉન્ટર, વધુ એક આરોપી પકડાયો

બરેલી: અભિનેત્રી દિશા પટાણી બરેલી સ્થિત નિવાસસ્થાને થયેલા ફાયરિંગની ઘટનાને લઈને બરેલી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન તપાસના પરિણામે 17 સપ્ટેમ્બર 2025ના રોજ, ચાર પૈકીના રવિન્દ્ર અને અરુણ નામના બે શૂટર્સને ગાઝિયાબાદ ખાતે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. જ્યારે અન્ય બે સગીર શૂટર્સને દિલ્હી પોલીસે પકડ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તપાસની આ શ્રેણીમાં આજે વધુ બે સાગરિતોનું એન્કાઉન્ટર કરીને ધરપકડ કરવામાં આવી છે.
રેકી કરતો હતો યુવાન
દિશા પટણીના ઘરે થયેલા ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા 4 શખ્સો ઉપરાંત એક શખ્સ એવો હતો. જે દિશા પટણીના બરેલી સ્થિત ઘરની રેકી કરતો હતો. જેનું નામ રામનિવાસ ઉર્ફ દિપક ઉર્ફ દીપુ હતું. તે રાજસ્થાનના બિયાવરનો રહેવાસી છે. જેનું આજે શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તેણે જંગલમાં પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જેના વળતા જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન આરોપી રામનિવાસને પગમાં ગોળી વાગી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
બરેલી પોલીસે રામનિવાસ પાસેથી .32 બોરની પિસ્તોલ, ચાર જીવતા અને ચાર ખાલી કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. આ સિવાય સતીશ નામના એક શખ્શની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી .315 બોરનો તમંચો, બે જીવતા અને ચાર ખાલી કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પહેલા હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો
12 સપ્ટેમ્બરે 2025ના રોજ દિશા પટણીના બરેલી ખાતેના નિવાસસ્થાને બાઈક પર સવાર થઈને બે અજાણ્યા હુમલાખોરો આવ્યા હતા. તેમણે ઘરની બહાર 10-12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે લીધી હતી.
જોકે, પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અગાઉ પણ ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 11 સપ્ટેમ્બર 2025ના રોજ બે શૂટર્સને મોકલવામાં આવ્યા હતા. જેમણે ફક્ત એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેથી ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર ગુસ્સે થયો હતો. તેણે બીજા દિવસે નવા શૂટર્સને મોકલવાનો આદેશ આપ્યો.
ઉલ્લેખનીય છે કે, ફાયરિંગની ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દિશા પટણીના જગદીશ સિંહ પટણી સાથે ફોન પર વાત કરી અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે સખત કાર્યવાહી કરતા તમામ શૂટર્સ પર ₹1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.
આ પણ વાંચો…દિશા પટણીના ઘરે ફાયરિંગ: આરોપીઓને બૂટ બચાવી શક્યા નહીં, જાણો ફાયરિંગથી એન્કાઉન્ટર સુધીની આખી કહાની