નવું એરપોર્ટ, ફાઇટર જેટ્સ, રિસોર્ટ્સ: ગોવા પછીનું નંબરવન ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનશે લક્ષદ્વીપ…
નવી દિલ્હી: પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ ઢગલાબંધ કોલસા વચ્ચે છુપાયેલા હીરાની જેમ લક્ષદ્વીપ ટાપુની ભારતભરમાં ચર્ચા થઇ રહી છે. લક્ષદ્વીપના દરિયાકિનારે લટાર મારતા પીએમ મોદીના ફોટો વાયરલ થયા બાદ લોકોમાં ટાપુની સુંદરતાએ ભારે આકર્ષણ ઉભું કર્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લક્ષદ્વીપને હજુ વિકસિત કરવા વિવિધ પ્રોજેક્ટ્સ ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં ટાટા કંપની પણ ઝુકાવે તેવી સંભાવના છે.
મિનિકોય ટાપુ પર ડ્યુઅલ પર્પઝ એરફિલ્ડ બનાવાશે. એરપોર્ટ હશે. જ્યાંથી ફાઇટર જેટ્સનું સંચાલન તો થશે જ. તે સિવાય સામાન્ય નાગરિકો પણ આવનજાવન કરી શકશે. અન્ય મિલિટરી એરક્રાફ્ટનું લેન્ડિંગ અને ટેકઓફ પણ થઇ શકશે. અગાઉ મિલિટ્રીના ઉપયોગ માટે એરફિલ્ડ બનાવવાનો પ્રસ્તાવ સરકાર સામે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે પ્રસ્તાવમાં ડ્યુઅલ પર્પઝ એરફિલ્ડની વિગતો ઉમેરી સરકારને ફરીવાર પ્રસ્તાવ મોકલવામાં આવશે. જો અહીં એરફિલ્ડ વિકસાવવામાં આવે તો હિંદ મહાસાગરમાં ચારેય બાજુથી આવતા જહાજો પર નજર રાખી શકાશે. સમુદ્રી લુંટારુઓની ગતિવિધિઓ પર પણ નિયંત્રણ રાખી શકાશે.
એરફિલ્ડના નિર્માણ બાદ ભારતીય નૌસેના અને વાયુસેના બંને માટે હિંદ મહાસાગર અને અરબ સાગરમાં ઓપરેશન્સમાં સરળતા રહેશે. હિંદ મહાસાગરમાં ચીન કોઇ જોખમ ઉભું કરે તો તેનો સામનો પણ કરી શકાશે. મિનિકોય આયલેન્ડ પર એરસ્ટ્રીપ બનાવવાનો સૌથી પહેલો પ્રસ્તાવ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મુકાયો હતો. નવા એરપોર્ટ અને એરફિલ્ડનું સંચાલન ભારતીય વાયુસેના દ્વારા થશે.
લક્ષદ્વીપની આસપાસ હાલ ફક્ત એક જ એરસ્ટ્રીપ છે, જે અગાતી આયલેન્ડ પર છે. અહીં દરેક પ્રકારના વિમાનો ઉતરી શકતા નથી. લક્ષદ્વીપના કવરત્તી આયલેન્ડ પર ભારતીય નૌસેનાનો INS DWEEPRAKSHAK આયલેન્ડ છે, જે વર્ષ 2012થી સંચાલિત થઇ રહ્યો છે. અહીં ભારતીય નૌસેના પહેલેથી મજબૂત છે, અને હવે વાયુસેનાને તૈનાત કરવાની તૈયારીઓ થઇ રહી છે.
લક્ષદ્વીપ એ 36 ટાપુઓનો સમૂહ છે. પ્રવાસીઓ મુખ્યત્વે બંગારમ, અગત્તી, કડમત, મિનિકોય, કવરત્તી, સુહેલી જેવા ટાપુઓ પર ફરવા જતા હોય છે.
આ સાથે જ ટાટા ગૃપ પણ લક્ષદ્વીપમાં 2 વૈભવી રિસોર્ટ્સ ખોલવાનો વિચાર કરી રહ્યું છે. લક્ષદ્વીપના સુહેલી અને કડમત આ 2 ટાપુઓ પર વર્ષ 2026 સુધીમાં ટાટા ગૃપની તાજ બ્રાન્ડની 2 હોટલો તથા રિસોર્ટ્સના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટસ ડેવલપ કરશે. IHCLના MD અને CEO પુનીત છટવાલે રિસોર્ટ્સ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, “અમે લક્ષદ્વીપમાં ઘણી વેપારની વિશાળ તકો જોઈ રહ્યા છીએ, ટાપુની અપ્રતિમ કુદરતી સુંદરતા સાથે બે વિશ્વ કક્ષાના તાજ રિસોર્ટ આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષશે.” સુહેલી ખાતેના તાજમાં બીચ પર 60 વિલા અને 50 વોટર વિલા સહિત 110 રૂમ હશે, તેમ કંપનીએ જણાવ્યું હતું. તો કદમત ટાપુ ખાતે 75 બીચ વિલા અને 35 વોટર વિલા ઉભા કરવામાં આવશે.