વૈશાલીના નેતા અનોખા અંદાજમાં પહોંચ્યા મતદાન કરવા, ગાડી ઘોડાને છોડી કરી દેશી સવારી

બિહાર: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 121 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, પણ વૈશાલી જિલ્લાના ભગવાનપુરમાં એક એવો નજારો જોવા મળ્યો કે લોકોની નજર અટકી ગઈ. કાર-બાઇક છોડો, સ્થાનિક નેતા કેદર પ્રસાદ યાદવ તો પોતાની ભેંસ પર ચઢીને વોટ આપવા પહોંચી ગયા! આ દેશી સવારીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
વૈશાલીના ભગવાનપુર પ્રખંડના સૈદપુર ડુમરી પંચાયતના બુથ નંબર 323 પર કેદરયાદવ ભેંસ પર બેસીને પહોંચ્યા. તેમણે હસતાં-હસતાં કહ્યું, “આજે ચૂંટણીમાં ગાડી-ઘોડા બંધ છે, તો અમે પોતાની સવારી ભેંસ પર જ ચઢીને વોટ આપવા આવ્યા. મારી સ્કૂલ બે કિલોમીટર દૂર છે, ત્યાં જ બુથ છે.”
ભેંસ પર નેતાને જોઈને મતદાન કેન્દ્ર પર લોકોની ભારે ભીડ થઈ ગઈ. દરેકે મોબાઇલ કાઢીને આ અનોખો નજારો કેદ કર્યો. મિનિટોમાં જ વીડિયો વાયરલ થઈ ગયો. ગામલોકો કહે છે કે કેદરયાદવ સાદું જીવન જીવે છે, હંમેશા ગામડે પગપાળા કે દેશી સાધનોથી ફરે છે – આજે ભેંસવાળો અંદાજ તો ચર્ચાનો વિષય બની ગયો!
પ્રશાસને પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે વૈશાલીમાં મતદાન એકદમ શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે. કેદર યાદવની આ દેશી સવારીએ લોકોને માત્ર હસાવ્યા જ નહીં, પણ વોટ આપવાનો ઉત્સાહ પણ વધારી દીધો. ગામના બુજુર્ગોએ તો કહ્યું, “આવા નેતા જોઈને લાગે છે કે ચૂંટણી હજુ પણ લોકોની છે!”
આ પણ વાંચો…ટેકનિકલ ખામી વચ્ચે લોકશાહીનો ઉત્સાહ: નાલંદા અને પટનામાં EVM ખરાબ થતા મતદાન અટક્યું



