સાથી કર્મચારી સાથે અફેર બદલ નેસ્લેના સીઈઓને નોકરીમાંથી કાઢી મૂકાયા | મુંબઈ સમાચાર
નેશનલ

સાથી કર્મચારી સાથે અફેર બદલ નેસ્લેના સીઈઓને નોકરીમાંથી કાઢી મૂકાયા

સ્વિસ ફૂડ જાયન્ટ નેસ્લેએ સોમવારે તેના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) લોરેન્ટ ફ્રેક્સને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કારણ કે તેણે પોતાની નીચે કામ કરનારા કર્મચારી સાથે અઘટિત રોમેન્ટિક સંબંધ રાખ્યો હતો. જે કંપનીના આચાર સંહિતાનું ઉલ્લંઘન હતું. આ ઘટના બાદ નેસ્લેના સીઈઓ ફિલિપ નવરાતિલને નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઘટનાએ નેસ્લેના મૂલ્યો અને શાસનની મજબૂતીને રેખાંકિત કરી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે નેસ્લેના બોર્ડે લોરેન્ટ ફ્રેક્સની બરતરફીનો નિર્ણય એક તપાસ બાદ લેવામાં આવ્યો છે, જેમાં ખુલાસો થયો કે તેમણે કંપનીના આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ તપાસની દેખરેખ બોર્ડના અધ્યક્ષ પોલ બુલ્કે અને લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર પાબ્લો ઇસ્લાએ બહારના વકીલની મદદથી કરી હતી. બોર્ડે તાત્કાલિક ફિલિપ નવરાતિલને નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા, જેઓ નેસ્પ્રેસોના નેતૃત્વમાં હતા અને કંપનીની વૃદ્ધિ યોજનાઓને આગળ ધપાવવાની જવાબદારી સંભાળશે.

લોરેન્ટ ફ્રેક્સ 1986માં નેસ્લેમાં જોડાયા હતા અને ફ્રાન્સથી શરૂઆત કરીને 2008ના સબપ્રાઇમ અને યુરો કટોકટી દરમિયાન યુરોપીયન કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. તેમણે લેટિન અમેરિકા વિભાગનું સંચાલન કર્યું અને સપ્ટેમ્બર 2024માં સીઈઓ બન્યા, જ્યાં તેમની પાસે સામાન્ય ગ્રાહક ખર્ચને ઉલટાવવાનો પડકાર હતો. તેમની બરતરફીથી નેસ્લેના શેરબજારમાં ચર્ચા થઈ રહી છે, જોકે શેરની કિંમતમાં 0.13 ટકાનો સામાન્ય વધારો જોવા મળ્યો, જે 75.49 સ્વિસ ફ્રેન્ક પર બંધ થયો.

નેસ્લે, જે નેસ્પ્રેસો, કિટકેટ, પુરીના, મેગી અને નેસ્ક્વિક જેવી બ્રાન્ડ્સ માટે જાણીતી છે, તે ગયા વર્ષે શેરની કિંમતમાં લગભગ 25 ટકાના ઘટાડાનો સામનો કરી રહી હતી, જેનાથી સ્વિટ્ઝર્લેન્ડના પેન્શન ફંડ્સમાં ચિંતા વધી હતી. જુલાઈમાં, કંપનીએ પ્રથમ નવ મહિનામાં 10.3 ટકા નફામાં ઘટાડો નોંધ્યો, ખાસ કરીને ચીનમાં નબળા ગ્રાહક ખર્ચ અને કોકો-કોફીની વધતી કિંમતોને કારણે. નવા સીઈઓ ફિલિપ નવરાતિલ, જેઓ 2001થી નેસ્લે સાથે છે અને નેસ્કેફે તથા સ્ટારબક્સ બ્રાન્ડ્સની વૈશ્વિક વ્યૂહરચના સંભાળી ચૂક્યા છે, હવે કંપનીની વૃદ્ધિ અને કાર્યક્ષમતા વધારવાની યોજનાને તીવ્ર ગતિએ આગળ ધપાવશે.

ફિલિપ નવરાતિલે 2001માં નેસ્લેમાં જોડાયા બાદ મધ્ય અમેરિકામાં વિવિધ ભૂમિકાઓ નિભાવી, 2013થી 2020 સુધી મેક્સિકોમાં કોફી અને બેવરેજ બિઝનેસનું નેતૃત્વ કર્યું. તેઓ જુલાઈ 2024માં નેસ્પ્રેસોના સીઈઓ બન્યા અને જાન્યુઆરી 2025માં બોર્ડમાં જોડાયા. નવરાતિલે કંપનીની વ્યૂહરચનાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને મૂલ્ય સર્જન યોજનાને તીવ્રતાથી અમલમાં મૂકવાનું વચન આપ્યું છે. બોર્ડના અધ્યક્ષ બુલ્કેએ જણાવ્યું કે નવરાતિલના નેતૃત્વમાં નેસ્લેની વ્યૂહરચનામાં કોઈ ફેરફાર થશે નહીં, અને કંપની પોતાની કામગીરીમાં ઝડપ જાળવી રાખશે.

આ પણ વાંચો…જીવન જીવવા મહિને કેટલા રૂપિયા જોઈએઃ પેટીએમ સીઈઓના જવાબ સાથે તમે સહમત છો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button