નેપાળની નવી ચલણી નોટ અંગે વિવાદ! નકશામાં ભારતીય પ્રદેશોને પોતાના ગણાવ્યા

કાઠમંડુ: ચીન અને પાકિસ્તાન જેવા ભારતના પાડોશી દેશો અવારનવાર ભારતીય પ્રદેશો પર પોતાનો હક દર્શાવતા રહે છે. એવામાં ભારતના પાડોશી મિત્ર દેશ નેપાળે પણ તાજેતરમાં કેટલાક ભારતીય પ્રદેશોને પોતાના નકશામાં દર્શાવતા વિવાદ ઉભો થયો છે.
નેપાળે ગઈ કાલે ગુરુવારે ₹100 ની નવી ચલણી નોટો બહાર પાડી હતી, જેમાં નેપાળનો સુધારેલો નકશો છાપવામાં આવ્યો હતો. આ નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા ભારતીય પ્રદેશોને નેપાળી ક્ષેત્રના હોવાનું દર્શાવવામાં આવ્યા છે.
નેપાળ નેશનલ બેંક (NRB) દ્વારા બહાર પાડવામાં આવેલી નોટ પર ભૂતપૂર્વ ગવર્નર મહા પ્રસાદ અધિકારીની સહી છે.
આ પણ વાંચો: નેપાળ પણ હવે ચીનના રસ્તે! 100 રૂપિયાની નવી નોટમાં ભારતના ત્રણ વિસ્તારોને પોતાના ગણાવ્યાં
જૂની ₹100 ની નોટ પર પણ નેપાળનો નકશો છાપવામાં આવતો હતો. હવે સરકારના નિર્ણય અનુસાર તેમાં સુધારો કરવામાં આવ્યો છે.
નેપાળ નેશનલ બેંક (NRB) દ્વારા બહાર પાડવામાં આવતી ₹10, ₹50, ₹500 અને ₹1000ની ચલણી નોટ્સ પર નેપાળનો નકશો છાપવામાં આવતો નથી. ફક્ત ₹100ની ચલણી નોટ પર નેપાળનો નકશો હોય છે.
ભારતના વિરોધ છતાં નેપાળનું પગલું
અહેવાલ મુજબ મે 2020 માં તત્કાલીન વડાપ્રધાન કે પી શર્મા ઓલીની આગેવાની હેઠળની સરકારે નેપાળનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો, જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારોને નેપાળના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યા હતાં.
એ સમયે ભારતે આ પગલા સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ પગલાને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને ભારતીય પ્રદેશો છે.
વર્ષ 2024 માં જ્યારે નેપાળ સરકારે 100 રૂપિયાની નવી ચલણી નોટ છાપવાની જાહેરાત કરી, ત્યારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચલણી નોટ પર ભારતીય પ્રદેશોનોને પોતાના નકશામાં સામેલ કરવાથી વાસ્તવિકતા બદલાશે નહીં.
હવે ગઈ કાલે નેપાળે નવા નકશા સાથેની ચલણી નોટ્સ બહાર પાડી છે, એવામાં ભારત શું પ્રતિક્રિયા આપશે એ જોવાનું રહેશે.



