નીટ પીજી 2023ના કટ-ઓફ ઘટાડી શૂન્ય કરી દેવાયો, પરીક્ષા આપનાર દરેક કાઉન્સેલિંગમાં ભાગ લઇ શકશે
નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) એ ગઈ કાલે બુધવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (નીટ પીજી) 2023ના ક્વોલિફાઇંગ પર્સેન્ટાઇલ કટઓફને ઘટાડીને તમામ કેટેગરી માટે શૂન્ય કરી દીધી હતો. આનો અર્થ એ છે કે હવે નીટ પીજી 2023 ની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો હવે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.
આ નિર્ણય અંગે નોટિસ જાહેર થયા પછી, ઉમેદવારો માટે પીજી કાઉન્સેલિંગના રાઉન્ડ-3 માટે રજીસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ ફરી શરુ કરવામાં આવશે. ઉમેદવારો કે જેઓ પર્સેન્ટાઇલ કટઓફમાં ઘટાડા બાદ પાત્ર બન્યા છે તેઓને પીજી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાની બીજી તક મળશે. દરમિયાન, જે ઉમેદવારો પહેલાથી જ નોંધાયેલા છે તેઓને પણ તેમની ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે. રાઉન્ડ-3 પીજી કાઉન્સેલિંગ માટેનું નવું શેડ્યૂલ ટૂંક સમયમાં એમસીસીની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવશે.
નોંધનીય છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને પત્ર લખીને નીટ પીજી 2023ના કટ-ઓફ ટકાવારીમાં 30 ટકાનો ઘટાડો કરવાની માગણી કરી હતી જેથી ક્લિનિકલ અને નોન-ક્લિનિકલ બંને શાખાઓમાં મોટાભાગની બેઠકો ભરી શકાય.
ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન(ફોર્ડા) એ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને નીટ પીજી 2023 પરીક્ષા માટે કટ-ઓફ સ્કોર ઘટાડવા વિચારણા કરવા માટે અપીલ કરી હતી. ફોર્ડાએ જણાવ્યું હતું કે, કટ-ઓફ ઘટાડીને ખાલી બેઠકો ભરવા માટે મોટી સંખ્યામાં પાત્ર ઉમેદવારોને તક આપવામાં આવે.
જ્યારે કાઉન્સેલિંગ કમિટી અને વહીવટી સંસ્થાઓએ કટ-ઓફ ઘટાડી શૂન્ય કરવાના નિર્ણયને આવકાર્યો છે, ત્યારે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (એફએઆઈએમએ) એ નિર્ણયની ટીકા કરી છે. એફએઆઈએમએએ જણાવ્યું હતું કે “કટ-ઓફને 0 સુધી ઘટાડવાના નિર્ણયે ભારતમાં મેડિકલ એજ્યુકેશન અને હેલ્થ કેર પ્રણાલીના સ્ટાન્ડર્ડની મજાક ઉડાવી છે. આ નિર્ણય માત્ર ખાનગી મેડિકલ કોલેજોમાં ભ્રષ્ટાચાર અને ઊંચી ફીને પ્રોત્સાહન આપશે.”