ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, અનેક અડચણો વચ્ચે NDRF અને SDRFએ 400 લોકોના જીવ બચાવ્યા | મુંબઈ સમાચાર

ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, અનેક અડચણો વચ્ચે NDRF અને SDRFએ 400 લોકોના જીવ બચાવ્યા

ઉત્તરાખંડના ધરાલી ગામમાં થોડા દિવસો પહેલા કુદરતનો કાળો કહેર વર્તાયો. ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ જાણે અડધા ગામને જળમગ્ન કરી દીધું. ઘટના બાદ ગામમાં 30થી 50 ફૂટ સુધી માટી અને કાટમાળ એકઠો થયો છે. આ બદલાતા હવામાન વચ્ચે રાષ્ટ્રીય અને રાજ્ય આપદા બચાવ ટીમો (NDRF અને SDRF) હેલિકોપ્ટરની મદદથી બચાવ કાર્યમાં જોડાઈ છે. આ ઘટનાએ ગામની સ્થિતિ બદલી નાખી છે અને રાહત કાર્યોમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

ધરાલી ગામમાં આવેલા પૂરથી સમગ્ર વિસ્તારમાં કાટમાળનો ઢગલો બનાવી દીધો છે. ગામના ઘણા મકાનોની છતો જ દેખાય છે, જ્યારે મોટા પથ્થરો અને કાદવે ગામનો નજારો બદલી નાખ્યો છે. આ ઘટના બાદ બચાવ ટીમોએ અત્યાર સુધી 400 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, જેમાં સેનાના 11 લાપતા જવાનોનો પણ સમાવેશ થાય છે. ખરાબ હવામાન કારણે બચાવ કાર્યમાં અડચણો આવી રહી છે.

બચાવ ટીમોને ધરાલીમાં બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ખીર ગંગા નદીનું ઝડપી પ્રવાહવાળું પાણી અને બીજી તરફ કાટમાળથી બનેલો કીચડ રસ્તાઓને ખતરનાક બનાવે છે. SDRF ટીમોએ પહાડી રસ્તાઓ પર કિલોમીટરો સુધી પગપાળા ચાલીને ગામ સુધી પહોંચવું પડે છે. ભીની માટીમાં ચાલવું મુશ્કેલ હોવાથી ટીનની ચાદરો નાખીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.

આ આફતમાં કેરળના 28 પ્રવાસીઓનું એક જૂથ અને મહારાષ્ટ્રના જલગાંવના 16 લોકોનું ગ્રુપ ગુમ થયાની ખબર છે. સૂત્રો પ્રમાણે આ બંને ગ્રુપ ઉત્તરકાશીથી ગંગોત્રી જવા નીકળ્યા હતા, પરંતુ ત્યારથી તેમનો સંપર્ક થયો નથી. ઉત્તરકાશીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયો છે. ભટવાડી, લિન્ચીગઢ અને ગંગરાણીના માર્ગો બંધ છે, જ્યારે ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે બચાવ ટીમો અટવાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બની જેમાં અનેક લોકોના ઘરે પાણીમાં તણાઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે હજી પણ અહીં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. કારણ કે, હજી પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે રાજ્યમાં આશરે 199 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે 1905.5 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

આ પણ વાંચો…વાદળ ફાટવાની ઘટનાએ ઉત્તરાખંડમાં મચાવી તબાહી, કાટમાળમાં દટાઈ ગઈ અનેક ઈમારતો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button