બિહારમાં NDAની સીટોની વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ! જાણો કયા પક્ષને કેટલી સીટો મળશે

બિહારમાં બેઠકોની વહેંચણીને લઈને NDAમાં લાંબા સમયથી ચાલી રહેલી ગડમથલનો અંત આવ્યો છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર જીતન રામ માંઝીની પાર્ટી HAMને 1 સીટ, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLMને 1 સીટ અને ચિરાગ પાસવાનને હાજીપુર સહિત 5 સીટ આપવા પર સહેમતિ બની છે. જ્યારે બિહારના સીએમ નીતીશ કુમારની પાર્ટી જેડીયુ 16 સીટો પર ચૂંટણી લડી શકે છે. બાકી વધેલી સીટો પર માત્ર ભાજપ જ પોતાના ઉમેદવારો ઉભા કરશે.
NDAના સુત્રોના જણાવ્યા મુજબ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેની સીટોની વહેંચણી અંગે જાહેરાત કરવામાં આવશે. જોકે, ચિરાગ પાસવાને પોતે આગળ આવીને કહ્યું છે કે ભાજપ સાથે સીટ શેરિંગ પર સમજૂતી થઈ ગઈ છે. જોકે સીટની વહેંચણીમાં સૌથી મોટો ફટકો ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસને પડ્યો છે તેમની પાર્ટીને એનડીએમાં એક પણ સીટ નહીં મળે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં જેપી નડ્ડાએ ચિરાગ પાસવાન અને મંગલ પાંડે સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી હતી. અગાઉ મંગલ પાંડેએ પણ સીટ વહેંચણી અંગે પશુપતિ પારસ સાથે મુલાકાત કરી હતી.
અત્યાર સુધી એવા અહેવાલો હતા કે ચિરાગ પાસવાનની 6 સીટોની માગ સંતોષવામાં નહીં આવે તો તે આ વખતે ઈન્ડિયા એલાયન્સમાં જઈ શકે છે, પરંતુ તે સંભાવનાને કોઈ બળ મળે તે પહેલા ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચિરાગ સાથે બેઠક યોજીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. માનવામાં આવે છે કે બિહારની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થયા બાદ એનડીએ માટે હવે કોઈ સમસ્યા રહી નથી.