ચૂંટણી માટે એનડીએ તૈયાર: વડા પ્રધાન
વર્તમાન સરકારના કાર્યકાળમાં ભારતે ભવ્ય ફેરબદલ જોયા: મોદી

નવી દિલ્હી: ભાજપના નેતૃત્વ હેઠળની નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) લોકસભા (સામાન્ય) ચૂંટણીનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ સૂકાનરહિત અને મુદ્દારહિત છે. તેમણે સત્તા જાળવી રાખવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણી પંચે સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો કે તરત જ વડા પ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા પર કરેલી સંખ્યાબંધ પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં તેમના કાર્યકાળ દરમિયાન ભવ્ય ફેરબદલ જોયા છે. સત્તાધારી ગઠબંધન ગુડ ગવર્નન્સ અને દરેક ક્ષેત્રે કરવામાં આવેલા કામની વાતોને લઈને લોકો પાસે જશે.
લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી નાખી છે. અમે ભાજપ-એનડીએ સંપૂર્ણ રીતે ચૂંટણી માટે સજ્જ છીએ. તેમણે હેશટેગ ફિર એકબાર મોદી સરકાર કર્યું હતું.
ચૂંટણીમાં વિજય મેળવવાનો વિશ્ર્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે ગરીબી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધનું યુદ્ધ વધુ ઝડપભેર ચાલુ રહેશે. સામાજિક ન્યાય પર પણ ધ્યાન આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે ત્રીજી મુદત માટે ઘણા કામ કરવાના બાકી છે. છેલ્લો એક દાયકો 70 વર્ષના શાસન દરમિયાન જે ગાબડાં પડેલા હતા તેને ભરવામાં ગયો છે. ભારત સમૃદ્ધ અને આત્મનિર્ભર બની શકે છે એવો વિશ્ર્વાસ પણ લોકોમાં જગાડવો આવશ્યક હતો. આ જ જૂસ્સા સાથે હવે આગળ વધવાનું છે. અમે ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. યુવાનોના સપનાંને પૂર્ણ કરવા માટે અમારા પ્રયાસ વધુ મજબૂત બનાવીશું. (પીટીઆઈ)