અશ્રુભીની આંખે વડા પ્રધાન બોલ્યા એનડીએને તમિલનાડુમાં એકેય બેઠક ન મળી: ડીએમકે
ચેન્નઈ: ડીએમકેના તમિલ ભાષામાં પ્રકાશિત થતા મુખપત્ર મુરાસોલીમાં સોમવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સાંસદો સાથેની બેઠકમાં અશ્રુભીની આંખે કહ્યું હતું કે તેઓ તામિલનાડુ રાજ્યમાં લોકસભાની એકેય બેઠક જીતી શક્યા નહોતા.
તેમણે એકેય બેઠક કેમ ન મળી તે જણાવ્યું નહોતું. તેમને આને માટેનું કારણ સમજાયું હોય એવું લાગતું નથી. તેમને કારણ ખબર પડશે તો પણ તેઓ કારણ અંગે બોલી શકશે નહીં, એમ મુરાસોલીના 17 જૂનના અંકમાં તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું.
ડીએમકેના નેતૃત્વ હેઠળ ઈન્ડી ગઠબંધને તામિલનાડુમાં ભાજપને ફક્ત ચૂંટણીના રાજકારણમાં જ નહીં, વૈચારિક રીતે પણ દૂર કરી નાખ્યું છે. તામિલનાડુમાં વિપક્ષી મોરચો ફક્ત ચૂંટણી પહેલાં તૈયાર થયો નહોતો, પાંચ વર્ષથી તેની મહેનત ચાલી રહી હતી, એમ પણ તેમાં લખવામાં આવ્યું હતું.
ડીએમકે અને તેમના સાથી પક્ષો સમાજના છેવાડાના લોકો સુધી એ વાત પહોંચાડવામાં સફળ થયા હતા કે ભાજપ આખા દેશ માટે અત્યંત હાનિકારક બની રહ્યો છે અને પરિણામે ઈન્ડી ગઠબંધનને રાજ્યમાં સારી સફળતા મળી હતી.
આ પણ વાંચો: ‘તમિલનાડુ ભાજપમાં પડી રહી છે તિરાડ’ એવી અટકળો વચ્ચે કે. અન્નામલાઈ અને સૌંદરરાજનની બેઠક
ડીએમકેના અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને ભાજપને મતદાન એ તમિલ લોકોનું અપમાન એવો જે નારો આપ્યો હતો તેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. જેને પગલે તામિલનાડુની 39 અને પુડુચેરીની એક મળીને 40 બેઠક પર ઈન્ડી ગઠબંધનના ઉમેદવાર વિજયી થયા હતા.
અખબારમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ડીએમકેના પ્રમુખે મુપ્પેરમ વિઝા ખાતે 15 જૂને કોઈમ્બતુરમાં આ વિજયનું શ્રેય કાર્યકર્તાઓ અને ડીએમકેની કેડરને તેમ જે ઈન્ડી ગઠબંધનના સાથી પક્ષોને આપ્યું તે ઉદાત્ત પગલું હતું.
આજની તારીખે ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિન એક દુર્લભ નેતા છે. તેમનો લોકસભાની ચૂંટણીનો વિજય જ્વલંત છે, એમ અખબારમાં લખવામાં આવ્યું છે. (પીટીઆઈ)