NCERTએ નવા મોડ્યુલમાં ભાગલા માટે ઝીણાને જવાબદાર ઠેરવ્યા, તો કોંગ્રેસ અને ઓવૈસીએ વિરોધ કેમ કર્યો?

નવી દિલ્હી: મોદી સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) સિલેબસમાં ધરખમ ફેરફાર કરી રહી છે.
NCERT દ્વારા ધોરણ 6-8 ના વર્ગો માટે પાર્ટીશન રિમેમ્બરન્સ ડે માટે એક ખાસ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે, આ મોડ્યુલ રજુ કરવામાં આવતા હોબાળો મચી ગયો છે.

કોંગ્રેસ અને AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી આ નવા મોડ્યુલનો વિરોધ કરી રહ્યા છે.

NCERTના નવા મોડ્યુલમાં ભારતના ભાગલા માટે કોંગ્રેસ અને મોહમ્મદઅલી ઝીણાને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. NCERTના નવા મોડ્યુલ મુજબ દેશના ભાગલા માટે મુખ્ય ત્રણ કારણો જવાબદાર હતા.
પહેલું કારણ અગલ મુસ્લિમ દેશ માટે માંગ કરનાર મોહમ્મદઅલી ઝીણા, બીજું કારણ કોંગ્રેસ જેણે ઝીણાની માંગને સ્વીકારી અને ત્રીજું માઉન્ટબેટન હતા જેમણે આ ભાગલાની યોજનાનો અમલ કર્યો હતો.
કોગ્રેસનો વિરોધ:

કોંગ્રેસે NCERTના નવા મોડ્યુલને ભૂલભરેલું અને પક્ષપાતી ગણાવ્યું. એક નિવેદનમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આવા પુસ્તકને બાળી નાખવું જોઈએ. સાચી વાત તો એ છે કે મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાના કારણે દેશનું વિભાજન થયું હતું.
ઓવૈસીના આરોપ:
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મોડ્યુલનો વિરોધ કરતા કહ્યું, જો NCERT ને ભાગલા વિશે શીખવવું હોય, તો શમસુલ ઇસ્લામના પુસ્તક મુસ્લિમ અગેઇન્સ્ટ પાર્ટીશનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ, જેથી જુઠ્ઠાણા ફેલાતા અટકાવી શકાય છે. ભાગલા માટે મુસ્લિમો કેવી રીતે જવાબદાર હોઈ શકે? જે ભાગી ગયા એ ભાગી ગયા અને જેઓ વફાદાર હતા તેઓ ભારતમાં જ રહ્યા. તેમણે ભાજપ અને RSS પર ઇતિહાસ બદલવાનો આરોપ લગાવ્યો.

ભાગલા માટે RSS જવાબદાર:
આમ આદમી પાર્ટી(AAP)એ પણ NCERTના નવા મોડ્યુલનો વિરોધ કર્યો છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘RSS હંમેશા બે રાષ્ટ્રના સિદ્ધાંતને સમર્થન આપતું રહ્યું છે. સાવરકરે પણ તેમના પુસ્તકમાં આ વાત કહી હતી. ભારતના ભાગલા માટે જિન્ના, આરએસએસ અને હિન્દુ મહાસભા જવાબદાર હતાં.
આ પણ વાંચો…ભારતના ‘ભાગલા’ની જાહેરાત કોણે કરી હતી? જાણો 3 જૂન 1947ના ઐતિહાસિક દિવસનું મહત્ત્વ