નક્સલવાદ: હથિયાર મૂકી વાતચીત માટે તૈયાર થયા નક્સલીઓ, અમિત શાહની 'ડેડલાઈન' પહેલા શરણાગતિ | મુંબઈ સમાચાર
નેશનલ

નક્સલવાદ: હથિયાર મૂકી વાતચીત માટે તૈયાર થયા નક્સલીઓ, અમિત શાહની ‘ડેડલાઈન’ પહેલા શરણાગતિ

ભારતના જંગલી વિસ્તારોમાં લાંબા સમયથી આતંકવાદ સામે ચાલતી લડાઈને અટકાવવાની નવી આશા જાગી છે, કારણ કે નક્સલીઓએ પહેલી વાર હથિયાર છોડીને વાતચીત કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે, લાંબી લડાઈ પછી બંને પક્ષો વચ્ચે શાંતિનો રસ્તો ખુલે છે. ગૃહ મંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં નકસલવાદને ખતમ કરવાની વાત કરી હતી. જો કે સમય લક્ષ્ય પહેલા જ આ પગલું લેવામાં આવ્યું છે, જે સુરક્ષા દળોની મજબૂત કાર્યવાહીઓનું પરિણામ લાગે છે.

માઓવાદીઓએ 15 ઓગસ્ટના લખેલા પત્રને 16 સપ્ટેમ્બરના જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓએ કહ્યું કે તેઓ સશસ્ત્ર લડાઈ અસ્થાયી રીતે બંધ કરવા તૈયાર છે. તેઓ સરકારને એક મહિનાના સીઝફાયરની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ પોતાના સદસ્યો અને જેલમાં બંધ લોકો સાથે વાત કરી શકે. પત્રમાં લખ્યું છે કે, “અમે શાંતિ વાતચીત માટે ખરેખર તૈયાર છીએ.” ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમિત શાહના 24 ઓગસ્ટ 2024ના નિવેદન પછી આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે નક્સલવાદ વિરુદ્ધની લડાઈ અંતિમ તબક્કામાં છે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં એક કરોડના ઇનામી નક્સલી સહિત 10 નક્સલીઓ ઠાર

માઓવાદીઓના પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભવિષ્યમાં અન્ય પાર્ટીઓ અને સંગઠનો સાથે મળીને જનતાની સમસ્યાઓ હલ કરવા તૈયાર છે. તેઓ વીડિયો કોલ દ્વારા સરકાર સાથે વાત કરવા માંગે છે અને બદલાયેલી સ્થિતિને કારણે આ નિર્ણય લીધો છે. આ પગલું એ દર્શાવે છે કે તેઓ રાજકીય રસ્તા પર આગળ વધવા માંગે છે, જો કે હાલ સરકારે આ પત્રની સત્યતાને તપાસી હાથ ધરી છે.

સરકારની કડક કાર્યવાહીઓથી નક્સલીઓ પર દબાણ વધ્યું છે. ડિસેમ્બર 2023થી અત્યાર સુધી 453 નક્સલીઓનો ઠાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 1616 પકડાયા અને 1666એ આત્મસમર્પણ કર્યું છે. આ અગાઉ 2014 દેશના 35 જિલ્લા આ પ્રવૃતિથી પ્રભાવિત હતા. જે 2025માં ઘટી 6 થઈ ચૂક્યા છે. જ્યારે આ પ્રકારની ઘટનાઓ 1080થી ઘટીને 374 થઈ ચુકી છે. છત્તીસગઢમાં 65 નવા કેમ્પ ખુલ્યા છે, અને 2024માં 928 નક્સલીઓએ સરકાર સામે હથિયાર મૂક્યા હતા.

છેલ્લા એક વર્ષમાં સુરક્ષા દળોએ દેશમાં મોટા ઓપરેશન હાથ ધર્યા છે અને વર્ષોથી જંગલોમાં છુપાયેલા લાખો રૂપિયાના ઈનામ ધરાવતા નક્સલીઓને મારી નાખ્યા છે. જેમા જાન્યુઆરી 2025માં 1 કરોડના જયરામ રેડ્ડી, મેમાં 1.5 કરોડના બસવરાજ જેવા મોટા મોઓવાદીનો ઠાર કર્યો છે. આનાથી બસ્તર, ગઢચિરોલી જેવા વિસ્તારો મુક્ત થયા. જે બાદ નક્સલીઓ વાતચીત તરફ વળ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button