નક્સલવાદીઓએ છત્તીસગઢમાં BJP કાર્યકર્તાની હત્યા કરી; લાશ પાસે આવી નોટ છોડી | મુંબઈ સમાચાર
નેશનલ

નક્સલવાદીઓએ છત્તીસગઢમાં BJP કાર્યકર્તાની હત્યા કરી; લાશ પાસે આવી નોટ છોડી

બીજાપુર: નક્સલવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ ભાજપના કાર્યકર્તાની હત્યા કરતા અરેરાટી મચી ગઈ છે. અહેવાલો અનુસાર, પ્રતિબંધિત સંગઠન મડદેહ એરિયા કમિટીના સભ્યોએ ભાજપના કાર્યકર સત્યમ પૂનેમની હત્યા કરી છે, નક્સલવાદીઓ લાશ પાસે કે નોટ પછી ગયા હતાં, જેમાં લખવામાં આવ્યું કે સત્યમ પોલીસનો બાતમીદાર હતો, માટે તેને સજા આપવામાં આવી.

અધિકારીઓના જણાવ્યા મુજબ હત્યારા મૃતદેહ પાસે એક પેમ્ફલેટ છોડીને ગયા છે. જેનાથી જાણવા મળે છે કે આ એક ટાર્ગેટ કિલિંગની ઘટના હતી. પેમ્ફલેટમાં લખવામાં આવ્યું કે ભાજપ કાર્યકર્તા પૂનમ વારંવાર ચેતવણી આપવામાં આવી હતી કે પોલીસને બાતમી આપવાનું બંધ કરે, છતાં એ ન માનતા તેને સજા આપવામાં આવી રહી છે.

ઘરેથી પકડીને લઇ ગયા:

ભાજપ કાર્યકર્તા સત્યમ પૂનેમ બીજાપુર જિલ્લાના મુજાલકાંકર ગામનો રહેવાસી હતો. મંડળ-સ્તરના ભાજપ કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. દોરડાથી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લગભગ ચારથી પાંચ માઓવાદીઓ સાદા કપડામાં અડધી રાતે સત્યમના ઘરે પહોંચ્યા અને તેને પકડીને બહાર લઈ ગયા હતાં. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તાપસ કરવામાં આવી રહી છે.

ભાજપ કાર્યકર્તા માઓવાદીઓના હિટલિસ્ટમાં:

પોલીસ રેકોર્ડ મુજબ, આ વર્ષે અત્યાર સુધીમાં માઓવાદીઓ સાથે જોડાયેલી હિંસામાં લગભગ 40 લોકોના મોત થયા છે. ભાજપ કાર્યકર્તા માઓવાદીઓના હિટલિસ્ટમાં છે. જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2024 દરમિયાન વિભાગમાં અલગ અલગ ઘટનાઓમાં 11 ભાજપના નેતાઓની હત્યા કરવામાં આવી હતી.

નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વચન આપ્યું છે કે 2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે, ત્યારે આવી ઘટનાઓ તેમના દાવા સામે પ્રશ્નાર્થ મુકે છે.

આ પણ વાંચો…છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button