ટોપ ન્યૂઝનેશનલ

નાસિકમાં દરગાહ ડીમોલીશન મામલો; સુપ્રીમ કોર્ટે નોટિસ પર સ્ટે મુક્યો, બોમ્બે હાઈ કોર્ટ પાસેથી સ્પષ્ટતા માંગી

નવી દિલ્હી: મંગળવારે નાસિકના કાઠે ગલી વિસ્તારમાં આવેલી સતપીર દરગાહના વિવાદિત માળખાને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં (Nasik Dargah Demolition) આવ્યું. જેની આગળની રાત્રે ડિમોલીશન કરવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, એમાં 21 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં. ડિમોલીશન રોકવા માટે અરજી મળવા છતાં કાર્યવાહી ન કરવા બદલ બોમ્બે હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટે આકરાં સવાલ પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) પૂછ્યું દરગાહ તોડી પાડવાની નોટિસ આવી છતાં તમે તાત્કાલિક સુનાવણી કેમ ન કરી?

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના રજિસ્ટ્રારને પૂછ્યું કે નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતપીર દરગાહ સામે જાહેર કરવામાં આવેલી ડિમોલિશન નોટિસને પડકારતી અરજીને તાત્કાલિક સુનાવણી માટે શા માટે સૂચિબદ્ધ કરવામાં ન આવી?

ન્યાયાધીશ પીએસ નરસિંહા અને જોયમાલા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે ધાર્મિક માળખું તૂટ્યું હોવાને કારણે આ મામલો અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સુપ્રીમ કોર્ટે ડિમોલિશન નોટિસ પર સ્ટે મૂકતા બોમ્બે હાઈકોર્ટની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: નાસિકમાં ગેરકાયદે દરગાહ તોડી પડવા પહોંચેલી મ્યુનિસિપલની ટીમ પર પથ્થરમારો; માહોલ તણાવપૂર્ણ

શું છે મામલો?

નાસિકની સતપીર દરગાહ લાંબા સમયથી વિવાદોના કેન્દ્રમાં રહી છે. નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશને 1 એપ્રિલ, 2025 ના રોજ આ ધાર્મિક માળખાને અનધિકૃત જાહેર કરીને તોડી પાડવાની નોટિસ પાઠવી હતી. આ નોટીસની વિરુદ્ધ, દરગાહના પક્ષકારોએ 8 એપ્રિલના રોજ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને 9 એપ્રિલથી તાત્કાલિક સુનાવણી માટે તેને સૂચિબદ્ધ કરવા અરજી કરી હતી.

અરજદારોના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ મામલાને સુનાવણી માટે સૂચિબદ્ધ ન કરી, જેના કારણે તેમને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી છે.

સુપ્રીમ કોર્ટે નારજગી વ્યક્ત કરી:

અરજીની સુનાવણી માટે બોમ્બે હાઈકોર્ટે કરેલા વિલંબ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમને સમજાતું નથી કે 9 એપ્રિલથી અત્યાર સુધી શું થયું છે. અરજદારના વકીલ કહે છે કે તેઓ દરરોજ આ મામલાને લિસ્ટ કરવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને રિટ પિટિશનની યાદી અંગેનો અહેવાલ મોકલવાનો નિર્દેશ આપ્યો. કેસની આગામી સુનાવણી 21 એપ્રિલે થશે.

સતપીર દરગાહ વિવાદોમાં:

સતપીર દરગાહ અગાઉ પણ વિવાદોમાં રહી છે. ફેબ્રુઆરી 2025 માં, નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશને દરગાહની આસપાસના અનધિકૃત બાંધકામો હટાવ્યા હતાં, પરંતુ તે સમયે મુખ્ય માળખાને ડીમોલીશ કરવામાં આવ્યું ન હતું. સ્થાનિક હિન્દુ સંગઠનો અને કેટલાક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે દરગાહ અનધિકૃત હતી અને તેને સંપૂર્ણપણે દૂર કરવી જોઈએ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button