
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23-24 જુલાઈના યુનાઈટેડ કિંગડમ (યુકે) અને 25-26 જુલાઈના માલદીવ્સના સત્તાવાર પ્રવાસે જશે. બ્રિટનના વડા પ્રધાન સર કીર સ્ટાર્મરના નિમંત્રણને લઈ વડા પ્રધાન મોદી મુલાકાતે જશે, પરંતુ લેબર પાર્ટીની નવી સરકાર સાથે આ તેમની પહેલી દ્વિપક્ષીય વાતચીત કરવામાં આવશે અને આ મુલાકાત રાજકીય રીતે પણ મહત્ત્વ ધરાવે છે, ત્યાર બાદ 25-26 જુલાઈના માલદીવ્સના પ્રવાસે જશે. માલદીવ્સમાં રાષ્ટ્રપતિ મોઈજ્જુએ સત્તા સંભાળ્યા પછી પહેલી વખત મોદી માલદીવ્સ જશે, જ્યાં તેઓ આઝાદીના મહોત્સવમાં પણ ભાગ લેશે. આ મુલાકાત બંને દેશ માટે નવા અધ્યાયનો આરંભ કરાવશે.
સીએસપી અને એફટીએ મુદ્દે નક્કર કામ થઈ શકે
બ્રિટનમાં સત્તા પરિવર્તન પછી ભારત-યુકેના સંબંધોને નવી દિશા નિર્ધારિત કરવા માટે આ પહેલી તક હશે. ભારત અને બ્રિટનની વચ્ચે 2021થી જારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (સીએસપી)ની સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને જ્યારે બ્રિટન ઈન્ડો-પેસિફિકમાં પોતાની ભૂમિકાને લઈ ફરી સક્રિય છે. બંને દેશ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) પર અટકેલી વાતચીતને આગળ વધારવાની કોશિશ કરી શકે છે, જેને લઈને અગાઉની સરકાર અને ભારત વચ્ચે પણ વાતચીત થઈ હતી.

ચાર્લ્સ તૃતિય સાથે સૌજન્ય મુલાકાત કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન સ્ટાર્મરની વચ્ચે વ્યાપક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, જેમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સમાં સહયોગ, સંરક્ષણ અને સાઈબર સુરક્ષા. ઉપરાંત, હેલ્થ રિસર્ચ, ઉચ્ચ શિક્ષા અને સૌથી મહત્ત્વના આમ આદમી સાથેના સંબંધોમાં સુધારા, કારણ કે યુકેમાં મોટી સંખ્યામાં ભારતીય વસાહતીઓ રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતમાં ચાર્લ્સ તૃતિય સાથેની સૌજન્ય મુલાકાત પણ સામેલ છે, જે રાજદ્વારી સંબંધોની પરંપરાગત મજબૂતાઈને પણ વધુ મજબૂત બનાવશે.
બંને દેશો વચ્ચે 2021માં રોડમેપ 2030 પર સહમતિ સાધવામાં આવી હતી, જ્યારે તેનો ઉદ્દેશ આગામી દાયકાઓમાં સંબંધોને સુધારવા માટે વૈશ્વિક શક્તિમાં ફેરવવાનો હતો. જોકે, યુકેમાં વારંવાર સત્તા પરિવર્તન અને ભારતમાં માનવાધિકાર વિઝા મુદ્દે તનાવનો માહોલ રહે છે, પરંતુ બ્રિટનમાં સર કીર સ્ટાર્મરની નવી સરકાર બની છે, તેથી માનવામાં આવી રહ્યું છે કે બંને દેશ વચ્ચે વચ્ચે એફટીએ વાટાઘાટોને પુનર્જીવિત કરી શકે છે.

સ્વતંત્રતા દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ બનશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 જુલાઈના માલદીવ્સના 60મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પીએમ મોદી માલદીવ્સની 60મા સ્વતંત્રતા દિવસે હાજર રહેવાની સાથે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ સાથે વિભિન્ન મુદ્દે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. બંને નેતાઓ ભારત અને માલદીવ્સની વચ્ચે સંયુક્ત આર્થિક અને મેરીટાઈમ સુરક્ષા સમજૂતી બાબતમાં પણ સમીક્ષા કરશે. ઓક્ટોબર, 2024માં જ્યારે મોહમ્મદ મોઈજ્જુએ ભારતની મુલાકાત કરી હતી, ત્યારે બંને દેશ વચ્ચે સમજૂતી સાધવામાં આવી હતી.