લુધિયાણામાં ‘મેરઠવાળી’!, અજાણ્યા પુરુષની બ્લુ ડ્રમમાં મળી લાશ, તપાસનો ધમધમાટ શરૂ…

લુધિયાણા: બ્લુ ડ્રમ જોઈ મેરઠમાં બનેલી ઘટના સૌને યાદ આવી જાય છે. ત્યારે ફરી એક વખત પંજાબના લુધિયાણા એવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. જેમ મેરઠમાં મુસ્કાન નામની મહિલાએ પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પોતાના પતિને મોત ઘાટ ઉતારી તેને એક બ્લુ ડ્રમમાં સિમેન્ટ સાથે સીલ કરી દીધો હતો. એવી રીતે લુધિયાણામાં પણ એક બ્લુ ડ્રમમાં પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલી પુરુષની સડી ગયેલી લાશ મળી આવી છે. લાશનું ગળું અને પગ દોરડાથી બંધાયેલા હોવાથી હત્યાની થયા હોવાની આશંકા સેવાય રહી છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.
દુર્ગંધથી ખુલ્યું રહસ્ય
લુધિયાણાના એક વિસ્તારમાંથી દુર્ગંધ ફેલાતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને બ્લુ રંગના ડ્રમમાંથી એક પુરુષની લાશ મળી, જેનું શરીર સડી ગયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક ચહેરા પરથી પ્રવાસી હોવાની અનુમાન છે. શરીર પર હાલ કોઈ ઈજાના નિશાન નથી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. લાશને સિવિલ હૉસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.
પોલીસની તપાસની દિશા
પોલીસે તપાસ શરૂ કરીને લુધિયાણાની 42 ડ્રમ ઉત્પાદક એકમોની યાદી તૈયાર કરી છે. જે ડ્રમમાં લાશ મળી તે નવું હોવાનું જણાય છે, જે પૂર્વઆયોજિત હત્યાની શક્યતા દર્શાવે છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. શહેરના કૅમેરા, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના ફૂટેજની પણ તપાસ થઈ રહી છે.
વધુ તપાસ અને પૂછપરછ
ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળની આસપાસ ઘણા પ્રવાસીઓ રહે છે, અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ શંકાસ્પદ વાહનોના નોંધણી નંબરો અને ડ્રમ ઉત્પાદક કંપનીઓની તપાસ કરી રહી છે. આ ઘટના મેરઠ હત્યાકાંડ સાથે સામ્યતા ધરાવે છે, જેના કારણે પોલીસ વધુ સતર્ક થઈ છે.
આપણ વાંચો : સોનમ કરતા શાણી ઐશ્વર્યાઃ માતાનાં પ્રેમી સાથે મળી પતિની કરી હત્યાઃ જાણો આખો મામલો