મુંબઈના વરસાદમાં ટેલેન્ટ બહાર આવ્યું: ‘છૂકર મેરે મન કો’ ગીત ગાતા ઓટો ડ્રાઈવરનો વીડિયો થયો વાયરલ

મુંબઈ: ભારે વરસાદથી મુંબઈ શહેર લગભગ ઠપ્પ થઈ ગયું છે, મુંબઈકરોનું ઘરની બહાર નીકળવું અને બહાર નીકળ્યા હોવ તો ઘરે આવવું મુશ્કેલ બન્યું છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે, જે આપત્તિમાં અવસર શોધી લેતા હોય છે. મુંબઈની મુશ્કેલીભરી સ્થિતિમાં પણ એક રીક્ષા ડ્રાઈવરે પોતાની રીક્ષાને ગીત ગાવાનું પ્લેટફોર્મ બનાવી દીધું છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
‘છૂકર મેરે મન કો’ ગીતથી લોકોનું દિલ જીત્યું
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક તરફ વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ રીક્ષાની આગળની સીટ બેસેલો રીક્ષા ડ્રાઈવર માઈકમાં 1981ની ફિલ્મ ‘યારાના’નું ક્લાસિક ગીત ‘છૂકર મેરે મન કો’ ગાઈ રહ્યો છે. તેનો અવાજ એટલો કિશોર કુમારના અવાજ જેવો જ લાગી રહ્યો છે. જે લોકોનું મન મોહી રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કરનાર mumbaifoodscenes આઈડી દ્વારા વીડિયોમાં લખવામાં આવ્યું છે, “મુંબઈમાં વરસાદ, ઉબરનું ભાડું 1500 રૂ. મુંબઈની રીક્ષા+લાઈવ કોન્સર્ટ અમૂલ્ય છે.” આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “માત્ર મુંબઈમાં જ તમે રાઈડ બુક કરો છે અને લાઈવ શોનો આનંદ માણો છો. તેનો અવાજ વરસાદમાં વહીં ગયો, પરંતુ તેની ઊર્જા વોટરપ્રુફ છે. વરસાદમાં સંગીતના પ્રત્યે તેનો પ્રેમ મહત્ત્વનો છે.” આ વીડિયો દર્શાવે છે કે કેવી રીતે મુંબઈના લોકો મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાનો માર્ગ શોધી કાઢે છે.
સોશિયલ મીડિયા પર થયા વખાણ
mumbaifoodscenes નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 45 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. સાથોસાથ સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ બોક્સમાં ડ્રાઈવરના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, “તેનો અવાજ બિલકુલ અસલી ગીત જેવો છે,” જ્યારે બીજાએ લખ્યું, “મુંબઈમાં સ્વચ્છ હૃદય અને ભાવનાશીલ લોકો છે.” આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે સંગીત અને સકારાત્મકતા દરેક મુશ્કેલીને હરાવી શકે છે.