Mukhtar Ansari Death: યોગી સરકારનો મોટો નિર્ણય, ઝેર આપવાના આરોપોની ન્યાયિક તપાસ થશે
બાંદા: ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ ગેંગસ્ટર અને પૂર્વ સાંસદ મુખ્તાર અન્સારીનું ગઈ કાલે મોત થયું હતું. મુખ્તાર અન્સારીના મોત બાદ રાજકારણ ગરમાયું છે. મુખ્તારના પરિવારથી માંડીને વિપક્ષી પાર્ટીઓ મુખ્તારના મોત પર સવાલ ઉઠાવી રહ્યા છે, આ મામલાની ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કેસમાં એક મહિનામાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.
બાંદાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ભગવાન દાસ ગુપ્તાએ મુખ્તાર અંસારીના મૃત્યુની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગરિમા સિંહને આ મામલાની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રશાસનને મુખ્તાર અંસારીની સારવાર અંગેની તમામ માહિતી ત્રણ દિવસમાં આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટ એક મહિનામાં સબમિટ કરવાનો રહેશે.
આપણ વાંચો: ઈલેક્શન ઈફેક્ટ.. યોગી સરકાર 1.75 કરોડ ઉજ્જવલા લાભાર્થીઓ ફ્રીમાં આપશે LPG સિલિન્ડર
મોત અંગે મુખ્તાર અંસારીના પરિવાર દ્વારા જેલ પ્રસાશન પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પરિવારજનોએ મુખ્તારને સ્લો પોઈઝન આપી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા મુખ્તાર અંસારીએ પણ કોર્ટમાં પોતાની હાજરી દરમિયાન આવા જ આરોપ લગાવ્યા હતા. જે બાદ આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ અનેક વિપક્ષી પાર્ટીઓ પણ આ અંગે રાજ્ય સરકારને ઘેરી રહી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઉત્તર પ્રદેશ ‘સરકારી અરાજકતા’ના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. યુપીમાં કાયદો અને વ્યવસ્થાનો આ ‘ઝીરો અવર’ છે.
BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું, ‘મુખ્તાર અંસારીના પરિવાર દ્વારા જેલમાં તેમના મૃત્યુને અંગે કરવામાં આવી રહેલા ગંભીર આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસ કરવી જરૂરી છે, જેથી તેમના મૃત્યુની હકીકત બહાર આવી શકે.’