ભારતનો દુશ્મન મસૂદ અઝહર પાકિસ્તાનમાં દેખાયો: શું બિલાવલ ભુટ્ટો વચન પાળશે?

બાલટિસ્તાન/નવી દિલ્હી: મસૂદ અઝહર ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. તાજેતરમાં થયેલા ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં તેનો ગઢ ગણાતા બહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદનું હેડ ક્વાર્ટર અને બહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના મદ્રેસાને પોતાનું નિશાન બનાવ્યું હતું. પરંતુ મસૂદ અઝહરને કોઈ નુકસાન થયું નહોતું. મીડિયાના અહેવાલ મુજબ તે પાકિસ્તાનના કોઈ ગુપ્ત ઠેકાણે છૂપાયો હતો. તે ક્યાં છૂપાયો છે? તેની જાણકારી ભારતીય સેનાને મળી ગઈ છે.
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આતંકી મસૂદ અઝહર
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મસૂદ અઝહર તેના ગઢ બહાવલપુરથી અનેક કિલોમીટર દૂર પીઓકેના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં દેખાયો છે. પીઓકેના સ્કર્દૂ વિસ્તારના સદપારા રોડ વિસ્તારમાં મસૂદ અઝહર દેખાયો હતો. અહીં બે મસ્જિદ અને અનેક ખાનગી તથા સરકારી ગેસ્ટ હાઉસ આવેલા છે.
મસૂદ અઝહરને પાકિસ્તાનનું શરણું
અઝહર જેવા અનેક આતંકવાદીને પાકિસ્તાનનું શરણ મળ્યું છે. જેમાં આતંકી હિઝબુલ મુહાજીદ્દીનનો પ્રમુખ સૈયદ સલાહુદ્દીન પોતાના નેટવર્કને ઇસ્લામાબાદથી ઓપરેટ કરે છે. જોકે, થોડા સમય અગાઉ આંતરરાષ્ટ્રીય મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ ભારત સરકાર અમને જાણ કરશે કે મસૂદ અઝહર પાકિસ્તાનની જમીન પર દેખાયો છે, તો અમે તેની ધરપકડ કરીશુ અને ભારતને સોંપી દઈશું.
મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ જોવા મળ્યો
આ ઉપરાંત બિલાવલ ભુટ્ટો ઝરદારીએ દાવો કર્યો હતો કે, મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં છૂપાયો હોય શકે છે. જોકે, હવે મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ જોવા મળ્યો છે. પોતાના કહ્યા પ્રમાણે પાકિસ્તાન કરશે કે કેમ? એ હવે જોવું રહ્યું.
અનેક આતંકી હુમલાઓનો ‘માસ્ટરમાઈન્ડ’
ઉલ્લેખનીય છે કે, સૂદ અઝહર પર ભારત, અમેરિકા અને સંયૂક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ લગાવ્યો છે. તેના પર 2001માં ભારતની સંસદ પર હુમલો કરાવવાનો પણ આરોપ છે. તે 2016માં પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલા તથા 2019માં પુલવામા ખાતે થયેલા હુમલા સહિતના અનેક આતંકી હુમલાઓનો માસ્ટરમાઈન્ડ છે.