યુપીમાં સંભલની મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવશે, 'આ' કારણસર લેવાયો નિર્ણય | મુંબઈ સમાચાર
નેશનલ

યુપીમાં સંભલની મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવશે, ‘આ’ કારણસર લેવાયો નિર્ણય

સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં હોળીના અવસરે રોડ કિનારે આવેલી મસ્જિદોની સુરક્ષા માટે પોલીસ અને વહીવટીતંત્ર તેને પોલિથીનથી ઢાંકવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી તેઓ સમયસર મસ્જિદોને ઢાંકી દે.

હોળી એ હિન્દુ સમુદાયનો મહત્વનો તહેવાર છે. આ અવસર પર લોકો એકબીજા પર રંગ અને ગુલાલ લગાવે છે. બીજી તરફ ચૌપાઈ શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે, જેમાં લોકો એકબીજા પર તેમ જ અન્ય લોકો પર રંગો ઉડાડે છે.

એએસપી શ્રીશચંદ્રએ જણાવ્યું હતું કે સંભલમાં હોળીની ચોપાઇયોની શોભાયાત્રા જે પરંપરાગત માર્ગ પરથી પસાર થાય છે તેના પર સ્થિત તમામ ધાર્મિક સ્થળોને બંને પક્ષો વચ્ચેની સંમતિના આધારે આવરી લેવામાં આવશે. આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આપણ વાંચો: સંભલ મસ્જિદના વિવાદ મુદ્દે યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, એ અસ્વીકાર્ય…

તેમના જણાવ્યા મુજબ, ચોપાઈ શોભાયાત્રાના રૂટ પર આવી 10 મસ્જિદો છે, જેને ઢાંકી દેવામાં આવશે. આ અંગે બંને પક્ષના લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે. બંને પક્ષના લોકો આ નિર્ણય પર સંમત થયા છે. આ શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરીને તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. જ્યાં માર્ગમાં અનેક સ્થળોએ અન્ય ધર્મના ધાર્મિક સ્થળો પણ આવેલા છે. આવી સ્થિતિમાં તેના પર રંગ પડવાની વિવાદની સ્થિતિ પેદા થવાની સાથે શાંતિ-વ્યવસ્થા ભંગ થવાની શક્યતા છે.

આ કારણે શાંતિ જાળવવા માટે પોલીસ પ્રશાસને ચોપાઈના શોભાયાત્રાના રૂટમાં આવેલી મસ્જિદોને પોલિથીન અને તાડપત્રીથી ઢાંકવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેથી શોભાયાત્રા નીકળતી વખતે કે એકબીજા પર રંગો લગાવતી વખતે તેના છાંટા મસ્જિદ પરિસર કે તેની બિલ્ડિંગ સુધી ન પહોંચી શકે.

આ માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સૂચના આપવામાં આવી છે, જેથી તેઓ પોતપોતાના વિસ્તારમાં આવા સ્થળોની ઓળખ કરી શકે અને તે ધાર્મિક સ્થળોને સુરક્ષિત કરી શકે.

સંબંધિત લેખો

Back to top button