ચોમાસું સત્ર ‘ધોવાયું’: 37 કલાક કામ ચાલતા સાંસદોના પગારમાંથી ખર્ચ લેવા MPની માગણી

નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્રમાં આ વખતે વિપક્ષે ચર્ચામાં ભાગ લેવા કરતા હોબાળો વધારે કર્યો હતો. ચોમાસું સત્ર વાસ્તવમાં ધોવાઈ ગયું હતું. લોકસભામાં આ વખતે ચર્ચા માટે 120 કલાકનો સમય હતો પરંતુ તેમાંથી ચર્ચા માત્ર 37 કલાક જ થઈ છે. બાકીનો સમય હોબાળામાં જ ગયો હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. આ 37 કલાકમાં ઓપરેશન સિંદૂર પર વધારે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, મહત્વની વાત એ છે કે, ચોમાસુ સત્રના છેલ્લા દિવસે એક સાસંદ અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે સંસદના ખર્ચ સાંસદોના પગારમાંથી વસૂલવાનો અનુરોધ કર્યો હતો.
સાંસદોના પગારમાં કાપ મુકવા કરી માંગણી
અપક્ષના સાંસદે સંસદની બહાર ધરણા પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ સાંસદે સાંસદોના પગારમાં કાપ મુકવાની માંગણી કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે આજે સંસદની બહાર પોસ્ટર સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સાંસદ ઉમેશ પટેલની માંગણી છે કે, સંસદમાં કાર્યવાહી તો થઈ નથી. જેથી આ કાર્યવાહી દરમિયાન જે ખર્ચ થયો છે તેનો ખર્ચ સાંસદોના પગારમાંથી જ લેવામાં આવે! આ સાથે ઉમેશ પટેલે ‘માફી માંગો, સત્તા પક્ષ અને વિપક્ષ માફી માંગો’ના પોસ્ટર સાથે પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર: મોદી સરકારને ઘેરવા કોંગ્રેસની રણનીતિ શું હશે? સોનિયા ગાંધીએ બેઠક બોલાવી…
કાર્યવાહી નથી થઈ તો ખર્ચ લોકો શા માટે ભોગવે?
ઉમેશ પટેલ સરકાર પાસે માંગણી કરી છે કે, જો સદનમાં કોઈ કાર્યવાહી એટલે કે ચર્ચા નથી થઈ તો સાંસદોને તેમના પગાર સહિત અન્ય લાભો આપવામાં આવે નહીં! એટલું જ નહીં પરંતુ આ સત્ર દરમિયાન સદનમાં જે ખર્ચ થયો છે તેની ભરપાઈ પણ સાંસદોના પગારમાંથી જ કરવામાં આવે! અપક્ષ સાંસદે કહ્યું હતું કે, જો સદન ચાલ્યું જ નથી તો આના માટે થયેલો ખર્ચ લોકો શા માટે ભોગવે?
આ સાથે સત્તા પક્ષ અને વિપક્ષના દરેક સાંસદોને માફી માંગવા માટે પણ વિનંતી કરી છે. જો કે, તેમની વાતમાં સચ્ચાઈ પણ છે. આ સત્રમાં સદનમાં માત્ર 37 કલાક જ ચર્ચા થઈ છે. બાકીના કલાકોનો હિસાબ કોણ આપશે? તેના માટે જે ખર્ચ થયો તે લોકો શા માટે ભોગવે? પણ ખેર આ બાબતે કોઈ નિર્ણય લેવાશે કે કેમ? તે તો સમય આવે જ ખબર પડશે.