ટોપ ન્યૂઝનેશનલ

આ તારીખે શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સરકાર રજૂ કરશે નવા 8 બિલ, વિપક્ષનો કરવો પડશે સામનો…

નવી દિલ્હી: ભારતની સંસદમાં ઋતુઓ પ્રમાણે જુદા-જુદા સત્ર ભરાય છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ત્યારે સંસદ દ્વારા ચોમાસુ સત્રની બેઠકોની તારીખ જાહેર કરવામાં આવી છે. ચોમાસુ સત્ર કેટલા દિવસ સુધી ચાલશે? તેમાં કેટલા બિલ રજૂ કરવામાં આવશે? આવો જાણીએ.

ક્યારે શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર?
ભારતની સંસદની જાહેરાત પ્રમાણે ચોમાસુ સત્ર 21 જુલાઈ 2025થી શરૂ થશે અને 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. પહેલા આ સત્ર 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું હતું. પરંતુ બાદમાં તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. 13 અને 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોઈ બેઠક નહીં થાય. જોકે, સત્ર દરમિયાન કુલ 21 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

ચોમાસુ સત્ર દરમિયાન કુલ 16 બિલ પસાર થવાના છે, જેમાં લોકસભા અને રાજ્યસભામાં ત્રણ-ત્રણ બિલનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ બિલ લોકસભા દ્વારા પસાર થયા છે અને રાજ્યસભામાં પેન્ડિંગ છે, જ્યારે ત્રણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે અને લોકસભામાં જ પેન્ડિંગ છે. આ બિલોમાં મર્ચન્ટ શિપિંગ બિલ, ઇન્ડિયન પોર્ટ્સ બિલ ૨૦૨૫, કોસ્ટલ શિપિંગ બિલ 2025 અને બિલ ઓફ લેડીંગ બિલ 2025નો સમાવેશ થાય છે.

સરકાર નવા આઠ બિલ રજૂ કરશે
ચોમાસુ સત્રમાં સરકારે નવા આઠ બિલ લાવવાની તૈયારી છે.આ આઠ બિલમાં રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ રજૂ કરવામાં આવશે. આ બિલથી રમતગમત સંગઠનોમાં સુશાસન લાવવા અને વિવાદોના ઉકેલ માટે એક પદ્ધતિ બનાવવાની જોગવાઈ કરવામાં આવશે. આ ઉપરાંત ખાણ અને ખનીજ સુધારા બિલ, ભૂ-હેરિટેજ સાઇટ્સ અને ભૂસ્તરશાસ્ત્રીય જાળવણી અને જાળવણી બિલ, IIM સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ મણિપુર GST સુધારા બિલ, કરવેરા સુધારા બિલ અને જાહેર ટ્રસ્ટ સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો વધારવાનો પણ પ્રસ્તાવ છે. બંધારણ મુજબ, રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો દર છ મહિને સંસદ દ્વારા મંજૂર કરવો પડે છે. વર્તમાન સમયગાળો 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે. મણિપુરની ગ્રાન્ટ માંગણીઓ સંબંધિત વિનિયોગ બિલ પણ સંસદમાં રજૂ કરવામાં આવશે, જે રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન સાથે સંબંધિત છે.

સરકારને કરવો પડશે વિપક્ષનો સામનો
પાછલા સમયમાં પહેલગામ આતંકવાદી હુમલો, ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ સહિતની ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘટી ચૂકી છે. આ મુદ્દાઓને લઈને વિપક્ષ ચર્ચા કરવાની અગાઉ માંગ કરી ચૂક્યું છે. આ સિવાય બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા અંગે ચૂંટણી પંચના પગલાના મુદ્દાઓને લઈને કૉંગ્રેસ સહિતની વિપક્ષ સરકારને ઘેરવાના મૂડમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button