નેશનલ

ચોમાસું આવ્યું: ક્યાંક વરસાદ, ક્યાંક હજુ ગરમી! જાણો તમારા રાજ્યનું હવામાન

નવી દિલ્હીઃ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન ભારતના વિવિધ ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે, જેની સાથે દેશના હવામાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. જયપુર હવામાન કેન્દ્રના તાજા અપડેટ મુજબ મોનસૂનની ઉત્તરી સીમા મુંબઈથી બંગાળ સુધી પહોંચી ગઈ છે, અને આગામી 48 કલાકમાં તે પૂર્વ અને મધ્ય ભારતના વધુ વિસ્તારોમાં આગળ વધશે. આ સાથે, દેશના અનેક રાજ્યોમાં ગરમી, હિટ વેવ અને હળવા વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે. બીજી બાજુ ગુજરાતના અનેક શહેરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, તેનાથી નાગરિકો ગરમીથી પરેશાન થયા છે.

પાટનગરમાં આગામી બે દિવસમાં હળવો વરસાદ પડી શકે

દિલ્હીમાં હવામાન હાલમાં ગરમ અને શુષ્ક રહ્યું છે, જોકે મોન્સૂનના આગમનના સંકેતો મળવા લાગ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 14-15 જૂનથી હળવો વરસાદ અને ગાજવીજ સાથેની આંધીની શક્યતા છે. હાલમાં દિલ્હીમાં ચક્રવાતી પરિસંચરણની અસર જોવા મળી રહી છે, જે હરિયાણા અને પંજાબ થઈને મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલું છે.

આના કારણે દિલ્હીમાં ગરમ હવાઓ અને હિટ વેવની સ્થિતિ હજુ 2-3 દિવસ રહી શકે છે. ગઈકાલે દિલ્હીનું મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્યથી 3 ડિગ્રી વધુ હતું. રાત્રિનું ન્યૂનતમ તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જેના કારણે રાજધાનીમાં ગરમીનો પ્રકોપ યથાવત છે.

ગુજરાતમાં મોનસૂનની શરૂઆત થઈ ચૂકી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 13-15 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજુ ગરમી અને શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં ગુરુવારે તાપમાન 44.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આગામી સપ્તાહમાં ગુજરાતના ઉત્તરીય અને પશ્ચિમી ભાગોમાં મોનસૂનની ગતિ વધશે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે.

મુંબઈ અને મહારાષ્ટ્રમાં મોન્સૂન સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. મુંબઈમાં 10 જૂનથી ભારે વરસાદની શરૂઆત થઈ અને હવામાન વિભાગે 13-14 જૂન માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને થાણે, પાલઘર અને રાયગઢ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી છે.

આ પણ વાંચો -‏‏‎ ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં વિક્રમી વધારો, હજુ વઘવાની શક્યતા

મુંબઈમાં ગઈકાલે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જ્યારે ભેજનું પ્રમાણ 85 ટકા સુધી પહોંચ્યું, જેના કારણે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ પુણે અને નાસિકમાં હજુ ગરમીનો પ્રકોપ રહી શકે. આગામી દિવસોમાં મુંબઈમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button