ગેરકાયદેસર ડ્રગના વેપારથી કમાયેલા નાણાં આતંકવાદ, નક્સલવાદને પ્રોત્સાહન : છતીસગઢમાં અમિત શાહ
રાયપુર: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે છત્તીસગઢનાં રાયપુરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ઝોનલ યુનિટ ઓફિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહની અધ્યક્ષતામાં છત્તિસગઢમાં નશીલા દ્રવ્યોની સ્થિતિ પર એક સમીક્ષા બેઠકની પણ અધ્યક્ષતા કરવામાં આવી હતી.
આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર, એનસીબીના મહાનિદેશક, છત્તીસગઢના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતની આઝાદીનાં શતાબ્દી વર્ષ 2047 સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નશીલા દ્રવ્યો મુક્ત ભારતનો સંકલ્પ આજે દેશનાં દરેક નાગરિકનો સંકલ્પ બની રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, સમૃદ્ધ, સુરક્ષિત અને ગૌરવશાળી ભારતનાં નિર્માણ માટે નશીલા દ્રવ્યોથી મુક્ત ભારતનો સંકલ્પ મહત્ત્વપૂર્ણ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો એ માત્ર ભારતની સમસ્યા જ નથી, પણ વૈશ્વિક જોખમ છે.
શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આપણે ભારતમાં નશીલા દ્રવ્યો સામેની લડાઈ તીવ્રતા, ગંભીરતા અને વિસ્તૃત વ્યૂહરચના સાથે લડીશું, તો આપણે આ લડાઈ જીતી શકીશું. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં માદક દ્રવ્યોની ગેરકાયદેસર દાણચોરી રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર રીતે નબળી પાડે છે.
આ પણ વાંચો: અમિત શાહે 188 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા આપી, મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી
શ્રી શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપારમાંથી પ્રાપ્ત નાણાં આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે તથા દેશનાં અર્થતંત્રને નબળું પાડે છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સ દેશની યુવા પેઢીને તો બરબાદ કરે જ છે, પરંતુ દેશની રાષ્ટ્રીય સુરક્ષાને પણ નબળી પાડે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, નાર્કોટિક્સ સામે ઝીરો ટોલરન્સ પોલિસી પર સૌએ સાથે મળીને આગળ વધવું જોઇએ અને પીએમ મોદીના ડ્રગ મુક્ત ભારતના સંકલ્પને પૂરો કરવો જોઇએ.
અમિત શાહે જણાવ્યું હતું કે, આજે એનસીબીની રાયપુર ઝોનલ ઓફિસનું ઉદઘાટન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કચેરી માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં માદક દ્રવ્યોને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશના દરેક રાજ્યમાં એનસીબીની હાજરી રહે તે અમારો ઉદ્દેશ છે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી સરકાર રાજ્ય સરકારોના સહયોગથી દરેક રાજ્યમાં એનસીબી કચેરીઓ સ્થાપીને ડ્રગનો વેપાર સમાપ્ત કરશે.