મોહમ્મદ અઝહરુદ્દીન તેલંગાણા કેબિનેટમાં પ્રધાન બન્યા; ભાજપે કોંગ્રેસ સામે સવાલ ઉઠાવ્યા

હૈદરાબાદ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીન તેલંગાણાની કેબિનેટમાં પ્રધાન બન્યા છે. આજે શુક્રવારે સવારે રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ રાજભવન ખાતે અઝહરુદ્દીનને શપથ ગ્રહણ કરાવ્યા હતાં. હવે તેઓ મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીના પ્રધાનમંડળના એક માત્ર મુસ્લિમ સભ્ય બન્યા છે. ભાજપે અઝહરુદ્દીનને પ્રધાન પદ આપવા સામે સવાલો ઉઠાવ્યા છે.
નોંધનીય છે કે વર્ષ 2023 ની વિધાનસભા ચૂંટણી દમિયાન તેઓ હૈદરાબાદની જ્યુબિલી હિલ્સ વિધાનસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતાં પણ તેમને હાર મળી હતી. ગત ઓગસ્ટમાં મહિનામાં તેલંગાણા સરકારે અઝહરુદ્દીનને રાજ્યપાલના ક્વોટા હેઠળ વિધાન પરિષદ (MLC) ના સભ્ય તરીકે નોમીનેટ કર્યા હતા.
ભાજપે ઉઠાવ્યા સવાલ:
જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠા પર પેટાચૂંટણીમાં યોજાવાની છે, એ પહેલા તેમને પ્રધાન બનાવવામાં આવતા ભાજપે કોંગ્રેસ સામે સવાલો ઉઠાવ્યા છે.
ભાજપના શશિધર રેડ્ડીએ એક નિવેદનમાં જણાવ્યું, “આગામી જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીમાં મતદારોના એક વર્ગના મત મેળવવા અને તેમને આકર્ષવાના પ્રયાસરૂપે મોહમ્મદ અઝહરુદ્દીનને પ્રધાનબનવવામાં આવ્યા છે અને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે.”
ભાજપે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ને પત્ર લખીને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો.
કોંગ્રેસે આપ્યો જવાબ:
ભાજપના સવાલોનો જવાબ આપતા તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) ના પ્રવક્તા સૈયદ નિઝામુદ્દીને ગુરુવારે કહ્યું કે ભાજપ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર અઝહરુદ્દીને પ્રધાન બનતા રોકવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે તેઓ લઘુમતીઓનું રાજકીય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
લઘુમતીની પ્રતિનિધિત્વ કરશે:
મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીના પ્રધાનમંડળમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ ન હોવાથી તેલંગાણા કોંગ્રેસે કોંગ્રેસના હાઈ કમાન્ડને અઝહરુદ્દીનને પ્રધાનમંડળમાં સમાવવા વિનંતી કરી હતી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC) એ પણ અઝહરુદ્દીનના નામને મંજૂરી આપી હતી. અઝહરુદ્દીન તેલંગાણા સરકારના મંત્રીમંડળના એક માત્ર લઘુમતી સમુદાયના સભ્ય બન્યા છે.
 
 
 
 


