આસામમાં ₹ 18,530 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણઃ પીએમ મોદીએ કહ્યું, હું શિવભક્ત છું, અપશબ્દોને વિષ માનીને પી જઉં છું…

દિસપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર વિસ્તારના વિકાસને વેગ આપવા માટે આસામની મુલાકાત લીધી હતી. આ યાત્રા દરમિયાન તેમણે રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ આપવા માટે વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ સાથે આસામમાં મોટી જનમેદીને સંબોધિત પણ કર્યા હતા. આ મુલાકાતમાં પાયાની સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે આસામના ભવિષ્યને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જોડાયેલી છે.
આજે આસામના દરાંગ જિલ્લામાં આયોજિત જનસભામાં PM મોદીએ 18,530 કરોડ રૂપિયાથી વધુની કિંમતની પાયાની જરૂરિયાત અને ઔદ્યોગિક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. અહીંના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે હું તો શિવભક્ત છું. મને દુશ્મનો તરફથી આપવામાં આવેલા તમામ અપશબ્દોને વિષ સમજીને પી શકે અને પચાવી શકે છે, પરંતુ બીજા કોઈનું અપમાન હું સહન નથી કરી શકતો.
મોદીએ કોંગ્રેસ પર આસામના પ્રસિદ્ધ કલાકાર ભૂપેન હજારિકાના અપમાનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કોંગ્રેસે તેમને ભારત રત્ન આપવામાં અવગણના કરી હતી. તેમણે ઉમેર્યું કે ભાજપની ડબલ એન્જિન સરકાર આસામના લોકોના સ્વપ્નોને પૂરા કરવા માટે સમર્પિત છે. વધુમાં, 1962ના ચીન યુદ્ધના ઘાને યાદ કરીને કહ્યું કે આસામ હવે 13 ટકાના વિકાસ દર સાથે આગળ વધી રહ્યું છે, જે લોકોની મહેનત અને સરકારના પ્રયાસોનું પરિણામ છે.
PM મોદીએ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી અને માતા કામાખ્યાના આશીર્વાદથી ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કર્યો. તેમણે આસામની આ પવિત્ર ભૂમિ પર આવીને વિશેષ પુણ્ય મળ્યા હોવાનો અનુભવ વ્યક્ત કર્યો. અંતમાં, તેમણે લોકોને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપવાની અપીલ કરી અને કહ્યું કે કોઈ પણ ખરીદી કે ભેટમાં ભારતીય ઉત્પાદનો જ પસંદ કરો, જેમાં ભારતની માટીની સુગંધ હોય.