મોદીની ધાકડ સરકારે કલમ 370ની દીવાલ તોડી નાખી: વડા પ્રધાન મોદી
અંબાલા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કૉંગ્રેસ પરના હુમલા વધુ તીવ્ર બનાવતાં કહ્યું હતું કે તેમની ધાકડ સરકારે બંધારણની કલમ 370ની દીવાલને તોડી પાડવાનું કામ કર્યુંં હતું અને તેને પરિણામે કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસનો ઈતિહાસ ભારતીય દળો અને જવાનોની સાથે દગાબાજી કરવાનો રહ્યો છે એમ જણાવતાં તેમણે જીપ કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો જેને સ્વતંત્ર ભારતનું પ્રથમ કૌભાંડ માનવામાં આવે છે.
શું નબળી સરકાર જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ બદલી શકી હોત? એવો સવાલ મોદીએ હાજર મેદનીને કર્યો હતો. લોકસભાની ચૂંટણી માટે હરિયાણામાં પોતાની પહેલી રેલીમાં તેમણે કહ્યું હતું કે હરિયાણામાં સશસ્ત્ર દળોમાં નોંધપાત્ર સંખ્યામાં જવાનો છે. જ્યારે કૉંગ્રેસની સરકાર હતી ત્યારે આ જવાનોની માતાઓ સંતાનની સુરક્ષા માટે ચિંતીત રહેતી હતી. હવે આ સ્થિતિ બદલાઈ છે કે નહીં? એવો સવાલ તેમણે કર્યો ત્યારે શ્રોતાઓએ હકારાત્મક જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: POK તો લઈને જ રહીશું, લોકોને તો કલમ 370 હટવામાં પણ વિશ્વાસ ન હતો. જાણો કોણ બોલ્યું આવું….
મોદીની ધાકડ (મજબૂત અને નિર્ણાયક) સરકારે કલમ 370ની દીવાલ તોડી પાડી અને કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે ચોથી જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આવે તેને હવે ફક્ત 17 દિવસ બાકી છે. કૉંગ્રેસ અને તેમના સાથીઓ પહેલા ચાર તબક્કામાં કોઈ સફળતા મેળવી શક્યા નથી.
દેશભક્તિ હરિયાણાના લોકોના લોહીમાં વહે છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના લોકો રાષ્ટ્રવિરોધી દળોને ઓળખી શકે છે. હરિયાણાનું દરેક ઘર અત્યારે કહી કહ્યું છે. ફિર એક બાર.. અને શ્રોતાઓએ કહ્યું હતું કે ‘મોદી સરકાર.’
દેશમાં જ્યારે ધાકડ સરકાર હોય ત્યારે દુશ્મન કોઈપણ પગલું લેવા પહેલાં 100 વખત વિચાર કરે છે. પહેલાં જે પાકિસ્તાનના હાથમાં બોમ્બ હતા તેના હાથમાં હવે ભીખના કટોરા છે.
હરિયાણામાં છઠ્ઠા તબક્કામાં એટલે કે 25 મેના રોજ મતદાન થવાનું છે. (પીટીઆઈ)