પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોન પર વાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વના કેટલાક દેશો રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. ભારત પણ આ મુદ્દે વૈશ્વિક સ્તરે પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં રશિયા-યુક્રેનના યુદ્ધ સહિત અનેક જરૂરી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અનેક મુદ્દાઓ અંગે વિચારોની આપ-લે કરી
ભારતના અમેરિકા સાથેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. એવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો સાથે વાતચીત કરી છે. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
પોતાની એક્સ પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “રાષ્ટ્રપતિ મેક્રો સાથે ઘણી સારી વાતચીત થઈ. અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારથી પ્રગતિની સમીક્ષા અને સકારાત્મક મૂલ્યાંકન કર્યું.
યુક્રેનમાં સંઘર્ષને જલ્દી સમાપ્ત કરવાના પ્રયાસો સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે વિચારોની આપ-લે કરી. ભારત અને ફ્રાન્સ વ્યુહાત્મક ભાગીદારી, વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહેશે.”
આપણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યાં પીએમ નરેન્દ્ર મોદી! રાષ્ટ્રપતિ ભવને એક્સ પર શેર કર્યો ફોટો
એક મહિનામાં બીજી વખત ટેલિફોનિક વાતચીત
ભારત દરેક દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખે છે. આ ટેલિફોનિક વાતચીત તેનું ઉદાહરણ છે. ખાસ વાત એ છે કે, એક મહિનામાં બંને દેશના સર્વોચ્ચ નેતાઓએ બીજી વખત વાતચીત કરી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી. ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રો તેમની સાથે હતા. ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચેની વાતચીતને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.