ભૂલકાઓ બન્યા હિંસકઃ ત્રણ જણે મળી એક પર રાઉન્ડરના 108 વાર કર્યા
બાળકોમાં ઝગડા થવા સામન્ય છે અને ક્યારેક ઝપાઝપી પણ થઈ જાય, પરંતુ દસેક વર્ષના બાળકો રાઉન્ડર (પરિકર-ભૂમિતિ માટે વપરાતું સાધન) વડે 100 હુમલા કરે તે ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના છે.
મધ્ય પ્રદેશના ઈન્દોરની એક સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા ચોથા ધોરણના ત્રણ વિદ્યાર્થીએ ભેગા થઈ ચોથા વિદ્યાર્થીને રાઉન્ડર એટલો માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આરોપ છે કે ત્રણ બાળકોએ કથિત રીતે ચોથા બાળકના પગ પર 108 વાર હુમલો કર્યો હતો. ઘટનાની નોંધ લેતા, બાળ કલ્યાણ સમિતિ (CWC) એ સોમવારે પોલીસ પાસેથી તપાસ અહેવાલ મંગાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર એરોડ્રોમ પોલીસ સ્ટેશન વિસ્તારની એક ખાનગી શાળામાં 24 નવેમ્બરના રોજ થયેલી લડાઈ દરમિયાન, ચોથા ધોરણના વિદ્યાર્થીને તેના ક્લાસમેટ્સએ કથિત રીતે પગ પર માર માર્યો હતો. CWC ઘટના સાથે સંબંધિત તમામ બાળકો અને તેમના પરિવારોનું પણ કાઉન્સેલિંગ કરશે અને એ પણ શોધી કાઢશે કે શું બાળકો હિંસક દ્રશ્યો સાથે વીડિયો ગેમ રમે છે. પીડિત બાળકના પિતાએ આરોપ લગાવ્યો કે 24 નવેમ્બરના રોજ એક ખાનગી શાળામાં બપોરે 2 વાગ્યે તેના પુત્ર પર તેના ત્રણ ક્લાસમેટ્સએ રાઉન્ડર વડે 108 વાર હુમલો કર્યો અને તેના શરીર પર નિશાન છોડી દીધા.
મારો પુત્ર જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે આ વિશે મને જણાવ્યું હતું. મને હજુ પણ ખબર નથી કે મારા પુત્ર સાથે આટલું હિંસક વર્તન શા માટે કરવામાં આવ્યું. સ્કૂલ મેનેજમેન્ટ મને ક્લાસના સીસીટીવી ફૂટેજ પણ આપી રહ્યું નથી. પીડિત બાળકના પિતાએ કહ્યું કે તેણે એરોડ્રોમ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) વિવેક સિંહ ચૌહાણે કહ્યું કે આ ફરિયાદ પર પીડિત બાળકની મેડિકલ તપાસ કરવામાં આવી છે. ACPએ કહ્યું કે આ ઘટનામાં સામેલ તમામ બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરના છે અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
જોકે નવાઈની વાત એ છે કે રાઉન્ડના આટલા બધા વાર પછી પણ બાળકને સ્કૂલ દ્વારા કોઈ સહાય કરવામાં આવી નહીં અને તે આવી હાલતમાં ઘરે કેવી રીતે પહોંચી ગયો.