મિશન લક્ષદ્વીપઃ પયર્ટન ક્ષેત્રને મળી નવી ઉડાન, બુકિંગમાં વધારો

એમ કહેવાય છે કે પીએમ મોદી પાક્કા ગુજરાતી બિઝનેસમેન છે. તેમના રોમ રોમમાં ભારતનું હિત વસે છે. ખાતા પીતા, સૂતા જાગતા બસ તેમને દેશનો વિકાસ કરવાના સપના આવે છે, અને એટલું ઓછું હોય તેમ તેઓ દેશની જે ધરતી પર વિહાર કરે એ ધરતીના નસીબ ખુલી જાય છે. કેદારનાથ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, ઉજ્જૈન મહાકાલેશ્વર કોરિડોર, કાશી, અયોધ્યા જેવા સ્થળોએ પ્રવાસન ક્ષેત્રમાં નવા નવા રેકોર્ડ કાયમ કર્યા છે. હવે આ સ્થળમા લક્ષદ્વીપનું પણ નામ ઉમેરાઇ ગયું છે, કારણ પીએમ મોદીની મુલાકાત.
આવો આપણો વિગતવાર જાણીએ
હાલમાં જ તેનો પરચો દેશભરના અને વિશ્વભરના લોકોને જોવા મળ્યો. તાજેતરમાં પીએમ મોદી લક્ષદ્વીપ ટાપુના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે કરોડો રૂપિયાની યોજનાની ભેટ આપી. તેમણે ત્યાંના દરિયાની રેતીમાં ચાલવાનો પણ લહાવો લીધો અને પાણીની ઇંદર સ્નોર્કલિંગ પણ માણ્યું. પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનને નવી પાંખો મળી ગઇ છે.
ઓલ ઈન્ડિયા ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સ એસોસિએશન (AITTOA)ના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં તેમને લક્ષદ્વીપ માટે બુકિંગ માટે અત્યાર સુધીના કૉલ્સ કરતાં વધુ કૉલ મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં લક્ષદ્વીપ જવા માટે 7000 લોકોએ બુકિંગ કરાવ્યા છે. લક્ષદ્વીપના પ્રવાસન અને રમતગમત વિભાગે પણ પોતાના રાજ્યમાં આવનારા પ્રવાસીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જો કે, લક્ષદ્વીપ હજુ પણ કેરળ સાથે હવાઈ માર્ગે જ જોડાયેલું છે. તેથી, અહીં પ્રવાસીઓની હાજરી એટલી નથી. AITTOAએ એવી પણ માગણી કરી છે કે વડાપ્રધાનની મુલાકાત બાદ લક્ષદ્વીપ હવે દેશના મોટા રાજ્યો સાથે વિમાન માર્ગે સીધું જોડાણ હોવું જોઇએ, જેથી ત્યાં પર્યટનનો વિકાસ થાય.
ઈન્ડિયા ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર એસોસિએશનના જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી માર્ચ મહિનાને લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે સૌથી યોગ્ય મહિના માનવામાં આવે છે, તેથી હવે લક્ષદ્વીપમાં પર્યટન તેની ટોચે પહોંચી શકે છે. જોકે, લક્ષદ્વીપમાં હજી પણ સુવિધાઓ, સુલભતાઓનો અભાવ છે, પણ પીએમ મોદીની અપીલ પર દેશના લોકો લક્ષદ્વીપની ઝોળી છલકાવી જ દેશે એમાં શંકા નથી.