ICICI સેવિંગ એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રૂ.50 હજાર ફરજીયાત! કોને લાગુ પડશે આ નિયમ?

મુંબઈ: દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે એક મોટો નિર્ણય લીધો છે, જેની અસર હજારો એકાઉન્ટ હોલ્ડર પર થઈ શકે છે. ICICI બેંકે ખાતામાં મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ(MAB)માં વધારો કર્યો છે.
MABમાં ધરખમ વધારો:
નવા નિયમો મુજબ મેટ્રો અને અર્બન વિસ્તારોની બ્રાંચના ખાતાઓમાં રૂ.50,000 મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ રાખવું ફરજીયાત કરવામાં આવ્યું છે, તેનાથી ઓછી MAB હશે તો પેનલ્ટી વસુલવામાં આવશે. અગાઉ ઓછામાં ઓછી રૂ.10,000 MAB રાખવી ફરજીયાત હતી, હવે તેમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે
સેમી અર્બન બ્રાંચના ખાતાઓ માટે MAB અગાઉ રૂ. 5,000 હતી, જેને વધારીને હવે રૂ. 25,000 કરવામાં આવી છે. રૂરલ બ્રાંચના ખાતાઓમાં અગાઉ MAB રૂ. 2,500 હતી જે હવે વધારીને રૂ. 10,000 કરવામાં આવી છે.
આ એકાઉન્ટ હોલ્ડર્સને લાગુ પડશે નિયમ:
નવા નિયમો 1 ઓગસ્ટ 2025 કે તેના બાદથી ખોલવામાં આવેલા ખાતાઓ પર જ લાગુ પડશે. જૂના ખાતા ધારકો માટે MAB અગાઉ મુજબ જ રહેશે.
આટલી પેનલ્ટી લાગશે:
જે ખાતા ધારકો MAB જાળવી નહીં શકે તેને શોર્ટફોલના 6 ટકા અથવા 500 રૂપિયા, જે ઓછું હોય એ પેનલ્ટી ફટકારવામાં આવશે.
આ નિયમોમાં પણ ફેરફાર:
બ્રાંચમાં જઈને કેસ ડીપોઝીટ કરાવવાના નિયમોમાં પણ ICICI બેંકે ફેરફાર કર્યા છે. હવે સેવિંગ એકાઉન્ટમાં મહિનાની અંદર ત્રણ વાર રોકડ જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે, પણ ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર રૂ.150 વસુલવામાં આવશે. કોમ્પ્લિમેન્ટરી ડીપોઝીટની લિમીટ દર મહિને કુલ રૂ. 1 લાખ સુધીની રહેશે. ત્યારબાદ, દર રૂ. 1,000 એ રૂ. ૩.5 અથવા રૂ. 150 જે પણ વધારે હોય તે વસુલવામાં આવશે.
ICICI બેન્કે જણાવ્યું હતું કે દરેક ટ્રાન્ઝેક્શન માટે 25,000 રૂપિયાની થર્ડ પાર્ટી કેશ ડિપોઝિટ લીમીટ લાગુ પડે છે. ચેક રિટર્ન આઉટવર્ડ (ગ્રાહક દ્વારા જમા કરાયેલ ચેક) માટે દરેક ઇન્સ્ટન્સ પર 200 રૂપિયા વસૂલવામાં આવશે. ચેક રિટર્ન ઇનવર્ડ (ગ્રાહક દ્વારા જાહેર કરાયેલ ચેક) માટે દરેક ઇન્સ્ટન્સ પર 500 રૂપિયા વસૂલવામાં આવશે.
આ વર્ષે એપ્રિલ 2025માં, ICICI બેંકે તેના સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દરમાં ૦.25 ટકાનો ઘટાડો કર્યો હતો.
એકાઉન્ટ હોલ્ડરને મોટો ઝટકો:
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ વર્ષ 2020 માં મિનિમમ બેલેન્સ નિયમ રદ કર્યા હતાં. મોટાભાગની અન્ય બેંકોમાં મિનિમમ બેલેન્સ સામાન્ય રીતે રૂ. 2,000 થી રૂ. 10,000 ની વચ્ચે હોય છે, ત્યારે ICICI બેંકે આ વધારો કરીને ખાતા ધારકોને મોટો ઝટકો આપ્યો છે.
નોંધનીય વાત એ છે કે ગયા અઠવાડિયે કન્દ્રીય નાણા મંત્રાલયે સંસદમાં માહિતી આપી હતી કે પબ્લિક સેક્ટરની બેંકો (PSBs) એ નાણાંકીય વર્ષ 2020-21 અને 2024-25ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન MAB જાળવી ન શકેલા ખાતા ધારકો પાસેથી પેનલ્ટી તરીકે લગભગ 9,000 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. આ આંકડો દર્શાવે છે કે દેશના લોકો ખતામાં પુરતી સેવિંગ જમા કરાવવા અક્ષમ છે. ત્યારે ICICI બેંકે લાગુ કરેલા નિયમોની શું અસર થશે એ જોબુ રહ્યું.
આ પણ વાંચો…SBIના ગ્રાહકો ધ્યાન આપો: આ દિવસે બેંકની UPI સેવા બંધ રહેશે, જાણો લેવડદેવડનો વિકલ્પ