સરકારે મનરેગા પર બુલ્ડોઝર ફેરવી દીધું: મનરેગાના અસ્તિત્વને બચાવવા સોનિયા ગાંધીએ રણશિંગું ફૂંક્યું…

નવી દિલ્હી: કૉંગ્રેસના શાસનમાં શરૂ કરવામાં આવેલી ‘મનરેગા યોજના’નું તાજેતરમાં નામ બદલવામાં આવ્યું છે. આ સાથે યોજનામાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જોકે, મનરેગા યોજનાને લઈને સંસદમાં ‘વીબી-જી રામ જી વિધેયક’ રજૂ કરવામાં આવ્યું, ત્યારે વિપક્ષે સંસદમાં હોબાળો કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના વિરોધ છતા આ વિધેયક બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું હતું. ત્યારે હવે કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને કૉંગ્રેસ ચેરપર્સને પોતાનું નિવેદન આપ્યું છે.
મનરેગામાં થયેલા ફેરફાર અંગે શું બોલ્યા સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. સોનિયા ગાંધીએ વીડિયોમાં જણાવ્યું કે, “મને આજે પણ યાદ છે, 20 વર્ષ પહેલા ડૉ. મનમોહન સિંહજી વડા પ્રધાન હતા, ત્યારે સંસદમાં મનરેગા કાયદો સર્વોનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ એક ક્રાંતિકારી પગલું હતું, જેનો ફાયદો કરોડો ગ્રામીણ પરિવારોને થયો હતો. ખાસ કરીને વંચિત, શોષિત, ગરીબ અને અત્યંતગરીબ લોકોની રોજી-રોટીનું નિમિત્ત બન્યું. રોજગારી માટે પોતાની જમીન, પોતાનું ગામ, પોતાનું ઘર-પરિવાર છોડીને પલાયન કરવાનું અટક્યું. રોજગારને કાનૂની હક બનાવવામાં આવ્યો. સાથોસાથ પંચાયતોને તાકત મળી. મનરેગા દ્વારા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સપનાના ભારત તરફ એક મજબૂત પગલું ભરવામાં આવ્યું.”
સરકારે મનરેગા પર બુલ્ડોઝર ફેરવી દીધું
સોનિયા ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, “છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગાર, ગરીબો અને વંચિતોના હિતોને નજરઅંદાજ કરીને મનરેગા યોજનાને નબળી પાડવાનો દરેક પ્રયત્ન કર્યો, જ્યારે કોવિડ વખતે તે ગરીબો માટે સંજીવની સાબિત થઈ. પરંતુ અફસોસની વાત છે કે, તાજેતરમાં સરકારે મનરેગા પર બુલ્ડોઝર ફેરવી દીધું. ન માત્ર મહાત્મા ગાંધીનું નામ હટાવ્યું, પરંતુ મનરેગાના રૂપ-સ્વરૂપને વિચારવિમર્શ વગર, કોઈનું સલાહ-સૂચન લીધા વગર, વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે બદલી નાખ્યું. હવે કોને, કેટલી, ક્યાં અને કેવી રીતે રોજગારી મળશે, એ જમીની વાસ્તવિકતાથી દૂર દિલ્હીમાં બેસેલી સરકાર નક્કી કરશે.”
કાળા કાયદા વિરૂદ્ધ લડવા માટે હું પ્રતિબદ્ધ છું
સોનિયા ગાંધીએ આગળ જણાવ્યું કે, “મનરેગા યોજના લાવવામાં અને તેનો અમલ કરવામાં કૉંગ્રેસનું મોટું યોગદાન હતું, પરંતુ આ પાર્ટી સાથે જોડાયેલો મામલો ક્યારેય ન હતો. આ દેશહિત અને લોકહિત સાથે જોડાયેલી યોજના હતી. મોદી સરકારે આ કાયદાને નબળો પાડીને દેશના કરોડો ખેડૂતો, શ્રમિકો અને જમીનવિહોણા ગ્રામીણ વર્ગના ગરીબોના હિતો પર હુમલો કર્યો છે. આ હુમલાનો સામનો કરવા માટે અમે સૌ તૈયાર છીએ. 20 વર્ષ પહેલા પોતાના ગરીબ ભાઈ-બહેનોને રોજગારનો અધિકાર અપાવવા માટે પણ હું લડી હતી, આજે પણ આ કાળા કાયદા વિરૂદ્ધ લડવા માટે હું પ્રતિબદ્ધ છું. મારી જેવા કૉંગ્રેસના તમામ નેતા અને લાખો કાર્યકર્તાઓ તમારી સાથે ઊભા છે.”
આ પણ વાંચો…મનરેગા બિલ મુદ્દે હોબાળો: કોંગ્રેસના 8 સાંસદ વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ



