મેહુલ ચોક્સીની મુશ્કેલીમાં વધારો, સેબીએ બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ અને શેર જપ્ત કરવાનો આદેશ આપ્યો

મુંબઈ : પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડની છેતરપિંડી કેસમાં ભાગેડુ અને બેલ્જિયમની જેલમાં બંધ મેહુલ ચોક્સીની મુશ્કેલીમાં વધારો થયો છે. સેબીએ હવે ભાગેડુ હીરા વેપારી પર મોટી કાર્યવાહી કરી છે. સેબીએ મેહુલ ચોક્સીના બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ અને શેર જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. જેથી 2.1 કરોડ રૂપિયા વસૂલ કરી શકાય. ગીતાંજલિ જેમ્સના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સેબીએ ચોક્સી પર 2.1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આમાં 1.5 કરોડ રૂપિયાનો દંડ અને 60 લાખ રૂપિયાની વ્યાજની રકમનો સમાવેશ થાય છે.
સેબીએ 2022 માં દંડ ફટકાર્યો હતો
ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને એમડી મેહુલ ચોક્સી પર તેમના સહયોગી રાકેશ ગિરધરલાલ ગજેરા સાથે અપ્રકાશિત સંવેદનશીલ માહિતી (UPSI) શેર કરવાનો આરોપ છે. 15 મેના રોજ મેહુલ ચોક્સીને મોકલવામાં આવેલી ડિમાન્ડ નોટિસ બાદ હવે આ પગલું લેવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તે 15 દિવસમાં પૈસા ચૂકવશે નહીં, તો તેની મિલકતો તેમજ બેંક ખાતા જપ્ત કરવામાં આવશે. જાન્યુઆરી 2022 માં સેબી દ્વારા લાદવામાં આવેલ દંડ ચૂકવવામાં નિષ્ફળ ગયા બાદ ચોક્સીને ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી હતી.
તમામ ખાતા જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો
આ રિકવરી માટે સેબીએ બધી બેંકો, ડિપોઝિટરીઝ CDSLઅને NSDLઅને મ્યુચ્યુઅલ ફંડ્સને ચોક્સીના ખાતામાંથી કોઈપણ ડેબિટ ન થવા દેવા જણાવ્યું છે. જોકે, ક્રેડિટની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સેબીએ બેંકોને ડિફોલ્ટરના લોકર સહિત તમામ ખાતા જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ચોક્સી પર 14,000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડનો આરોપ
નીરવ મોદીના કાકા મેહુલ ચોક્સી પર જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. વર્ષ 2018 ની શરૂઆતમાં પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયા હતા. ભારતીય તપાસ એજન્સીઓની પ્રત્યાર્પણ વિનંતી બાદ એપ્રિલમાં 65 વર્ષીય મેહુલ ચોક્સીની બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ચોક્સી બેલ્જિયમમાં કસ્ટડીમાં
મેહુલ ચોક્સી વર્ષ 2018 માં ભારત છોડ્યા પછી એન્ટિગુઆમાં રહેતો હતો. વર્ષ 2023 માં ચોક્સી તબીબી સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. જ્યારે તે ત્યાં હતો. હાલમાં તે ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર કસ્ટડીમાં છે અને તેનો ભત્રીજો નીરવ મોદી જે પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે. જે પણ યુકેની જેલમાં બંધ છે.
આ પણ વાંચો….પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે સીબીઆઇ -ઇડીની ટીમ બેલ્જિયમ જશે