મેઘાલયના રાજકારણમાં ઉથલપાથલ: કેબિનેટના 8 મંત્રીએ એકસાથે રાજીનામા આપતા ખળભળાટ

શિલોંગ: સેવન સિસ્ટર તરીકે ઓળખાતા રાજ્યો પૈકીના મેઘાલયમાં રાજનૈતિક ઉથલપાથલ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. અગિયારમી વિધાનસભાના અઢી વર્ષ બાદ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. જેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. મેઘાલયમાં મંત્રીઓના રાજીનામાનું કારણ શું છે? આવો જાણીએ.
ગઠબંધનની સરકારમાં મંત્રીઓના રાજીનામા
મેઘાલયમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ગઠબંધનની સરકાર છે. આ ગઠબંધનની સરકારનું કોનરાડ સાંગમા નેતૃત્ત્વ કરી રહ્યા છે. જેમની કેબિનેટના 12 મંત્રીઓ પૈકી 8 મંત્રીઓએ અચાનક રાજીનામું આપી દીધું છે. જેમાં NPP, UDP, HSPDP અને BJPના મંત્રીઓનો સમાવેશ થાય છે. NPPના એમ્પેરીન લિંગદોહ, કોમિંગન યામ્બોન, રક્કમ એ. સંગમા, અબુ તાહેર મંડલ, UDPના પોલ લિંગદોહ અને કિરમેન શૈલા, HSPDPના શાકલિયાર વારજારી અને BJPના એ. એલ. હેકે રાજીનામું આપ્યું છે.
એકસાથે 8 મંત્રીના રાજીનામા?
મેઘાલય સરકાર કેબિનેટમાં ફેરફાર કરવાના મુડમાં છે. એવા સમયે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. હવે કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ NPPના ધારાસભ્ય વૈલાદમિકી શાયલા, સોસ્થનીસ સોહતુન, બ્રેનિંગ એ. સંગમા, ટિમોથી ડી શિરા, UDPના મેતબાહ લિંગદોહ તથા લખમેન રિમ્બુઈ, HSPDPના ધારાસભ્ય મેથોડિયસ દખાર તથા BJPના સનબોર શુલ્લઈનો નવી કેબેનેટમાં સમાવેશ થઈ શકે છે. ગઠબંધનમાં જોડાયેલી દરેક પાર્ટીઓને તેનું પ્રતિનિધિત્વ કરવા મળે તે માટે કેબિનેટમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: ભારતીય સેના અમેરિકા અને મ્યાનમારની સેના સાથે મેઘાલયમાં સૈન્ય અભ્યાસ કરશે
2023માં કરવામાં આવ્યું હતું ગઠબંધન
ઉલ્લેખનીય છે કે 2023ની વિધાનસભાની ચૂંટણી બાદ મેઘાલયમાં મેઘાલય ડેમોક્રેટિક અલાયન્સનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ પીપલ્સ પાર્ટી(NPP), યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી(UDP), હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(HSPDP), તથા કેટલીક અન્ય પાર્ટીનો સમાવેશ થાય છે. કુલ 60 વિધાનસભા બેઠકો ધરાવતા મેઘાલયમાં હાલ આ ગઠબંધન પાસે કુલ 51 બેઠકો છે, જ્યારે તૃલમૂલ કૉંગ્રેસ પાસે 5 તથા વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી પાસે કુલ 4 બેઠક છે.