સાવિત્રી બની યમદૂતઃ પતિના ટૂકડા કરનારી મુસ્કાનના માતા-પિતા દીકરીને ફાંસીએ લટકાવવા માગે છે

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં મુસ્કાન નામની મહિલા અને પાંચ વર્ષની દીકરીની માતાએ પ્રેમી સાથે મળી પતિની કરેલી હત્યા અને ત્યારબાદ આચરેલી ક્રૂરતાની ઘટનાએ દેશને સ્તબ્ધ કરી મૂક્યો છે. પતિના લાંબા આયુષ્ય માટે ગળામાં મંગળસૂત્ર પહેરવાની પરંપરાવાળા આ દેશમાં વધતી જતી આવી ઘટનાઓ સમાજવ્યવસ્થા માટે ખતરાની ઘંટી સમાન છે, પણ આ કેસમાં કોઈએ ઉદાહરણરૂપ ભૂમિકા ભજવી હોય તો તે મુસ્કાનનાં માતા-પિતાએ પોતાની દીકરીએ કરેલા ગુનાને છુપાડવા કે તેને બચાવવાને બદલે તેમણે જ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો અને હવે તેઓ કહે છે કે આવું કૃત્ય કર્યા બાદ દીકરીએ જીવવવાનો અધિકાર ખોઈ દીધો છે અને તેને કોર્ટ ફાંસીએ લટકાવે તો પણ તે સજા યોગ્ય છે. તેની માતાએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા એમ પણ કહ્યું કે અમે સૌરભના પરિવાર સાથે છીએ અને તેમનું દુઃખ સમજીએ છીએ, સૌરભ અમારો પણ દીકરો જ હતો.
આ પણ વાંચો; Manipur માં હમાર અને ઝોમી સમુદાય વચ્ચે હિંસક અથડામણ, કર્ફ્યું લાદવામા આવ્યો…
સૌરભ મુસ્કાનને આંધળો પ્રેમ કરતો હતો…
મુસ્કાનની માતા કવિતા રસ્તોગીએ કહ્યું કે સૌરભ મુસ્કાનને ખૂબ પ્રેમ કરતો અને તેને સારી રીતે રાખતો હતો. બન્નેએ 2016માં લવમેરેજ કર્યા હતા. મુસ્કાનના કહેવાથી સૌરભ રાજપૂતે મર્ચન્ટ નેવીની નોકરી મૂકી હતી અને પરિવારથી અલગ પણ રહેતો હતો. જોકે પરિવારથી અલગ થયા બાદ થોડા સમયમાં બન્ને વચ્ચે ખટરાગ ચાલુ થયો અને તેનું કારણ તેનો પ્રેમી સાહિલ હોવાનું માતાએ જણાવ્યું હતું.
મુસ્કાન ક્યારે સાહિલના સંપર્કમાં આવી અને ડ્રગ્સના રવાડે ચડી ગઈ તે કોઈને ખબર નથી. આ મામલે બન્ને વચ્ચે ઝગડા થતા હતા અને વાત છૂટેછેડા સુધી પણ પહોંચી હતી, પરંતુ દીકરીનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી સૌરભે સમાધાન કરી લીધું હતું. સૌરભે ફરી 2023માં મર્ચન્ટ નેવીની નોકરી જોઈન કરી હતી અને તે લંડનમાં કામ કરવા ગયો હતો.

મુસ્કાનનો પ્રેમી આટલી હદે હતો અંધવિશ્વાસુ
મુસ્કાનનો પ્રેમી સાહિલ ડ્રગ એડિક્ટ હતો અને મુસ્કાન પણ ડ્રગ લેતી હતી. સૌરભ લંડન ગયો તે સમય દરમિયાન મુસ્કાનનું વજન એકસાથે દસેક કિલો ઉતરી ગયું હતું, પરંતુ કોઈને ભનક ન પડી. હવે સાહિલ વિશે એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાહિતની માતાનું દેહાંત થઈ ગયું હતું, પણ મુસ્કાન તેને ખુશ રાખવા સાહિલની માતા સાથે સ્નેપચેટ કરતી હોવાનું સાહિલને કહેતી હતી. આ માટે તેણે ખાસ અકાઉન્ટ પણ બનાવ્યું હતું. તે સાહિલને કહેતી કે તે રોજ તેની માતા સાથે વાત કરે છે. સાહિલ તેની વાત માનતો હતો.
આ રીતે થયો હત્યાનો પર્દાફાશ
ચોથી ફેબ્રુઆરીએ સૌરભ દીકરીના જન્મદિવસ નિમિત્તે મેરઠ આવ્યો હતો. ત્યારબાદ તે ફરી લંડન ગયો અને 4થી માર્ચે આવ્યો. મુસ્કાને તેને ઊંઘની ગોળીઓ આપી સુવડાવી દીધો અને ઠંડે કલેજે પ્રેમી સાથે મળી તેના ચાકુથી 12-15 ટૂકડા કરી નાખ્યા. ત્યારબાદ તેને એક ડ્રમમાં ભરી તેમાં સિમેન્ટ નાખી દીધી અને બન્ને દીકરી સાથે હિમાચલ પ્રદેશ ચાલ્યા ગયા. અહીંથી તે સૌરભના નંબરથી સૌરભની બહેન સાથે ચેટ પણ કરતી હતી.
બહેને ફોન કર્યા પણ સૌરભે ન ઉપાડ્યા ત્યારબાદ પરિવારને શક ગયો અને તેઓ પોલીસ સ્ટેશને ગયા. દરમિયાન મુસ્કાન તેનાં માતા-પિતાના ઘરે આવી અને તેણે જ માતાને હત્યા કર્યાનું જણાવ્યું. મમ્મી-પપ્પાએ સીધો પોલીસ સ્ટેશનનો રસ્તો પકડ્યો અને હવે મુસ્કાન અને સાહિલ સામે પોલીસ કર્યાવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો: અમેરિકાના પગલે પગલેઃ પાટનગરમાં ગેરકાયદે રહેતા ૧૦ વિદેશીનો કર્યો દેશનિકાલ
તમારા સંતાનનો ગુનો ઉઘાડો પાડો
મુસ્કાનના માતા-પિતાએ કર્યું તે તમામ માતા-પિતા કરતા નથી. મોટાભાગે તો મહિલાને ઘરમાં જે દહેજ મામલે કે અન્ય મામલે ત્રાસ આપવામાં આવે છે તેમાં પતિ સાથે પરિવાર પણ એટલો જ જવાબદાર હોય છે. લગ્નજીવનમાં પતિ-પત્ની સાથે બન્નેના પરિવાર પણ મહત્વના છે. જો તમારો દીકરો કે દીકરી ખોટા હોય તો તેને છાવરવાને બદલે તેને સમજવો અને તેને સુધારવાની કોશિશ કરો.
ઘણા સમયથી પતિઓ આત્મહત્યા કરી રહ્યા છે અને તેમાં પત્ની સાથે તેના ઘર-પરિવારને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે. હવે માત્ર પુત્રવધુઓ નહીં જમાઈઓ પણ સાસરિયાના ત્રાસના શિકાર બની રહ્યા છે. આમ થતું રહેશે તો સમાજ ખોટી દિશામાં જશે અને આપણી લગ્નસંસ્થા ખતરામાં મૂકાઈ જશે.