કોલકત્તામાં નકલી પાસપોર્ટ બનાવનારા માસ્ટરમાઇન્ડની ધરપકડઃ બાંગ્લાદેશીઓનો બનાવતો નકલી ભારતીય પાસપોર્ટ
કોલકત્તાઃ પશ્વિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાંથી કોલકત્તા પોલીસે શનિવારે રાત્રે નકલી પાસપોર્ટના રેકેટના માસ્ટર માઇન્ડ મનોજ ગુપ્તાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મનોજ ગુપ્તાને ગાઇઘાટા પોલીસ સ્ટેશનના ચાદ્દાપારા સ્ટેશન રોડ સ્થિત એક ઘરમાંથી પકડવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મનોજ ગુપ્તા બેહાલાના સિલપારા વિસ્તારનો રહેવાસી છે અને સખેર બજારમાં ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો. આ એજન્સીની આડમાં તે નકલી પાસપોર્ટ બનાવવાનું કામ કરતો હતો. પોલીસને શંકા છે કે તે નકલી વિઝા આપવાના કેસમાં પણ સામેલ હતો.
આ કેસમાં પકડાયેલા આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મનોજ ગુપ્તા આ રેકેટનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે, જે લાંબા સમયથી આ ધંધામાં સામેલ હતો.
આપણ વાંચો: હવે નકલી પાસપોર્ટ કૌભાંડઃ દ્વારકામાંથી તલાટી મંત્રી સહિત નવ જણ પકડાયા
આ મહિનાની શરૂઆતમાં કોલકાતા પોલીસે પરનાશ્રી વિસ્તારમાંથી પોસ્ટલ વિભાગના કર્મચારીની ધરપકડ કરી હતી. આ સિવાય ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ રેકેટનો પર્દાફાશ કરતી વખતે પોલીસે ઘણા નકલી દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક, એક કમ્પ્યુટર અને લેપટોપ જપ્ત કર્યા છે. આ ડિવાઇસનો ઉપયોગ નકલી પાસપોર્ટ તૈયાર કરવા માટે થતો હતો. હરિદેવપુર વિસ્તારમાં એક મકાન પર દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં બાંગ્લાદેશીઓને નકલી ઓળખ કાર્ડ અને પાસપોર્ટ આપવામાં આવતા હતા જેથી તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે રહી શકે અને વિશ્વભરમાં પ્રવાસ કરી શકે. કોલકાતા પોલીસે આ રેકેટના અન્ય સભ્યોની શોધ શરૂ કરી હતી. પોલીસ અધિકારીનું કહેવું છે કે આ નેટવર્ક સાથે જોડાયેલા તમામ લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.