ઓપરેશન સિંદૂર મુદ્દે જૈશ કમાન્ડરનો મોટો ખુલાસોઃ મસૂદ અઝહરના પરિવારનો થયો સફાયો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના બદલામાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કર્યો હતો. આ ઉપરાંત, ભારતે આખા વિશ્વને પોતાની આક્રમક નીતિઓનો પણ સંદેશ આપ્યો હતો. આતંકવાદીઓને પોષનારા પાકિસ્તાન અને તેના સંગઠનોને ભારતે જડબાતોડ જવાબ આપવાને કારણે પાકિસ્તાની આતંકી ગ્રુપોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે ઓપરેશન સિંદૂર મુદ્દે જૈશ-એ-મોહમ્મદના એક કમાન્ડરે સ્વીકાર્યું છે કે ભારતના હુમલામાં મસૂદ અઝહરના પરિવારના ટુકડે ટુકડા થઈ ગયા હતા.
આજે ઓપરેશન સિંદૂરના મહિનાઓ વિતી ચૂક્યા છે, પરંતુ આ ઘટનાને લઈ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલિયાસ કશ્મીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે મસૂદ અઝહરના પરિવાર વિષે વાત કરી હતી. વીડિયોમાં ઇલિયાસ કશ્મીરી કહે છે કે 7 મેના રોજ ભારતીય હુમલામાં બહાવલપુરમાં મસૂદ અઝહરના પરિવારના સભ્યો પત્ની, બાળકો સહિતા લોકોના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. તેણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું, “બધું કુર્બાન કર્યા પછી પણ આ નુકસાન અત્યંત દુઃખદાયક છે.” આ વીડિયોમાં પાછળ ગોળીબાર કરતા સુરક્ષા કર્મચારીઓ જોવા મળે છે, જે આતંકીઓના વર્તમાન માહોલને દર્શાવે છે.
બહાવલપુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શહેર છે, જ્યાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથક મરકઝ સુભાન અલ્લાહ મસ્જિદમાં સ્થિત છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ આ સ્થળને લક્ષ્ય બનાવ્યું હતું, જેના કારણે આતંકીઓને મોટું નુકસાન થયું છે. આ જગ્યાએ જ મસૂદ અઝહરનો પરિવાર રહેતો હતો, અને હુમલામાં તેમના પરિવારના 10 સભ્યોના મોત થયા હોવાનું અઝહરે પોતે જ સ્વીકાર્યું છે. ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ બ્રીફિંગમાં પુષ્ટિ કરી હતી કે આ જગ્યાએથી ભારત વિરુદ્ધની યોજનાઓ બનાવવામાં આવતી હતી, અને હુમલો ચોક્કસ અને મર્યાદિત હતો.
પહેલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરનારા આતંકીઓને ઠાર કરવા અને હુમલાનો બદલો લેવા માટે ભારતે સાતમી મેની વહેલી સવારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવીને 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. બહાવલપુર ઉપરાંત મુરીદકે, સિયાલકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળો પર પણ હુમલા થયા, જેનાથી જૈશ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુઝાહિદ્દીન જેવા ગ્રુપોને ભારે નુકસાન થયું. આ ઓપરેશનથી આતંકીઓની હિંમત તૂટી ગઈ અને ભારતની સુરક્ષા વ્યૂહરચના વધુ મજબૂત બની.
ઓપરેશન સિંદૂરે ભારતને વિશ્વમાં આતંક વિરુદ્ધના મજબૂત સંદેશ આપ્યો છે, જેમાં કોઈ સમજૂતીનું સ્થાન નહોતું. આ કાર્યવાહીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે આતંકને પ્રોત્સાહન આપનારને કોઈ છૂટ નહીં મળે. મસૂદ અઝહર જેવા વૈશ્વિક આતંકીઓના પરિવારને પણ નુકસાન થવાથી આતંકી નેટવર્કમાં અંદરથી વિભજન આવ્યું છે. આ ઘટના દર્શાવે છે કે ભારતની સેના કેવી રીતે ચોકસાઈથી કાર્ય કરે છે, અને ભવિષ્યમાં આવા પ્રતિહારો વધુ કઠોર થશે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર અંગે આર્મી ચીફે આપ્યું મહત્ત્વનું નિવેદન, રશિયા-યુક્રેન યુદ્ધ 10 દિવસમાં પૂરું થવાની હતી અપેક્ષા પણ…