નવરાત્રીમાં મારુતિનો ધમાકો: 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં હજારો કાર વેચી!

નવી દિલ્હી: 22 સપ્ટેમ્બરથી નવો GST (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સ્લેબ લાગુ થયા બાદ ઘણી ઓટોમોબાઈલ કંપનીએ પોતાની કારના ભાવ ઘટાડ્યા છે. મારુતિ કંપની પણ ભાવ ઘટાડો કરનારી કંપનીઓ પૈકીની એક છે. જોકે, કારના ભાવ ઘટાડ્યા બાદ મારુતિ કંપનીનું વેચાણ અભૂતપૂર્વ રીતે વધી ગયું છે, જેથી કંપનીએ એક નવો રેકોર્ડ સર્જ્યો છે.
એક દિવસમાં વેચાઈ 25,000 કાર
નવરાત્રી જેવા તહેવારોની સીઝનમાં લોકો નવા વ્હિકલની ખરીદી કરતા હોય છે ત્યારે આ નવરાત્રી મારુતિ કંપનીને ફળી છે. મારુતિ કંપનીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરાત્રી શરૂ થયા બાદ અત્યાર સુધી 80,000થી વધુ કાર વેચાઈ ગઈ છે. દરરોજ નવી કાર ખરીદવા માટે 80 હજાર જેટલી ઇન્કવાયરી આવી રહી છે. શો રૂમમાંથી રાત્રે 11-12 વાગ્યા સુધી ડીલર કારની ડિલિવરી કરવામાં વ્યસ્ત રહે છે.
નવો GST સ્લેબ લાગુ થયા બાદ મારુતિ કંપનીએ પોતાનો 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કંપનીમાંથી એક જ દિવસમાં 25,000 કારની ડિલીવરી થઈ હતી. મારુતિ કંપનીના એક શો રૂમના માલિકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “અમારા શો રૂમમાં ભારે ભીડ રહે છે. ચેનલ પાર્ટનર અમારા ગ્રાહકો સુધી વ્હિકલ પહોંચાડવા મોડી રાત સુધી કામ કરી રહ્યા છે.”
ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીની ખાસ સ્કીમ
મારુતિ કંપનીએ ટુ વ્હીલર ધારકોને ફોર વ્હીકલધારક બનાવવા માટે એક ખાસ સ્કીમ લાગુ કરી છે. પોતાના ગ્રાહકો વધારવા માટે મારુતિ કંપનીએ EMI લોન શરૂ કરી છે. આ લોન હેઠળ ગ્રાહકો માત્ર 1,999 પ્રતિ માસના હપ્તે કાર ખરીદી શકે છે.
આ સિવાય રેપોરેટનો ઘટાડો પણ ભાવ ઘટાડાનું અને વેચાણ વધારાનું કારણ બન્યો છે. રેપોરેટ ઘટવાના કારણે EMI સસ્તી થઈ અને મારુતિ કંપનીએ પોતાની એન્ટ્રી લેવલની કારના ભાવમાં 24 ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. તેથી ગ્રાહકો માટે કારની ખરીદી કરવી સરળ બની ગઈ છે. નાની કારની સાથોસાથ એસયુવી કારના સેગમેન્ટમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળે છે. જોકે, ભાવમાં થયેલો 24 ટકાનો ઘટાડો 31 ડિસેમ્બર 2025 સુધી જ યથાવત્ રહેવાનો છે.
આપણ વાંચો: કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો હપ્તો ત્રણ રાજ્યોના ખેડૂતોને જમા કરાવ્યો