મુરલી તમારો કોણ થાય? યુદ્ધમાં ગયેલા દીકરાના માતા-પિતાના હાથ ધ્રુજ્યા ને…

મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં જ્યારે જ્યારે પાકિસ્તાનને આપણે મ્હાત આપીએ છીએ ત્યારે ત્યારે આપણા જવાનો માટે આપણી છાતી ગજગજ ફુલે છે, પણ જે માતા-પિતા અને પરિવારના સ્વજનો સરહદ પર હશે તેમની મનઃસ્થિતિ લગભગ આપણે સમજી પણ નહીં શકીએ. યુદ્ધ પર જતા પહેલા દીકરાએ વીડિયોકોલ કરી માતાને વચન આપ્યું હતું કે હું હેમખેમ પાછો આવીશ, પણ ભારત માતાની રક્ષાના વચનને નિભાવવા પોતાની જનેતાને આપેલું વચન તૂટી ગયું. આ જનેતા એટલે ઘાટકોપરની નાનકડી ઓરડીમાં રહેતી જ્યોતિ નાઈક. શ્રીરામ નાઈક અને જ્યોતિનો એકનો એક દીકરો મુરલી નાઈક ઉરી ખાતેના હુમલામાં શહીદ થયો. મૂળ આંધ્રપ્રદેશનો પરિવાર વર્ષોથી મુંબઈમાં રહી મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હતો. ઘાટકોપરના કામરાજનગરની દસ બાય દસની ઓરડીમાં મોટા થયેલા મુરલીએ સેના જોઈન કરી.
ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શહીદ થયેલા મુરલી નાઈકે ઉરી જતા પહેલા પોતાના પરિવારને ફોન કર્યો હતો. માતાએ તો રોકવાનો પ્રયાસ પણ કર્યો. પણ મુરલીએ કહ્યું કે દેશને મારી જરૂર છે. એ મારી ફરજ છે. મારે જવું પડશે. હું પાછો આવીશ, તું ચિંતા ન કર. હુમલાના થોડા કલાકો પહેલા પણ મુરલીએ માતા સાથે વીડિયો કોલ પર વાતચીત કરી હતી. પણ આ વાતચીત છેલ્લી નીકળી અને હવે ક્યારેય પોતાના દીકરાનો ચહેરો આ પરિવાર જોઈ નહીં શકે. જોકે છતાં પરિવારને અભિમાન છે કે દીકરો દેશ માટે શહિદ થયો છે.
મીડિયા સાથે વાત કરતા મુરલીના પિતા શ્રીરામ નાઈકે જણાવ્યું હતું કે મુરલી યુદ્ધ માટે જવાનો છે તે વાત અમને રાત્રે ઊઘવા દેતી ન હતી. આ સમય દરમિયાન કોઈપણ ફોન આવે એટલે અમને ફફડાટ થતો. શુક્રવારે આ ડર સાચો પડ્યો. શુક્રવારે વહેલી સવારે મારી પત્નીના ફોનનંબર પર ફોન આવ્યો. મારી પત્નીએ ફોન ઉપાડ્યો તો સામેથી કોઈએ પૂછ્યું મુરલી નાઈક તમારા કોણ. મારી પત્નીએ કહ્યું કે તે મારો દીકરો છે. સામેની વ્યક્તિએ તેના પિતાને ફોન આપો તેમ કહેતા મારી પત્નીએ ફોન મારી સામે ધર્યો. ફોન લેતા મારો હાથ ધ્રુજવા માંડ્યો. મારી પત્નીને ચક્કર આવી ગયા અમે સમજી ગયા કે દીકરો હવે નથી રહ્યો. સામેથી પણ એજ કહેવામાં આવ્યું કે મુરલી નાઈક શહિદ થઈ ગયો. જોકે પરિવારને અભિમાન પણ છે કે દીકરો આવી પડકારજનક સ્થિતિમાં દેશ માટે કુરબાન થઈ ગયો.
પાકિસ્તાને ભારત પાસે યુદ્ધ કરવા સિવાય કોઈ વિકલ્પ છોડ્યો જ નથી અને આપણા જવાનો સતત ગોળીબાર અને તોપમારા અને મિસાઈલો વચ્ચે પાકિસ્તાનને દેરક મોરચે પછાડી રહ્યા છે. આશા રાખીએ કે સરહદો પર ઓછું લોહી રેડાય અને કોઈ માએ પોતાનો મુરલી ન ગુમાવવો પડે.