
પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનું ઘણું મહત્ત્વ છે. ભગવાન ગણેશ અને કાર્તિક ભગવાન શિવના આ બે પુત્રો વિશે દરેક વ્યક્તિને ખબર છે. પરંતુ શું તમે જાણો છો, કે ભગવાન શિવને એક પુત્રી પણ હતી. મોટા ભાગના લોકો ભગવાન શિવની આ પુત્રી વિશે જાણતા નથી.
કોણ હતા ભગવાન શિવના પુત્રી?
પ્રાચીન માન્યતા અનુસાર ભગવાન શિવને ત્રણ પુત્રી છે, જેમાંથી એક દેવી મનસા પણ છે. મનસા દેવીને માતા પાર્વતીની સાવકી દીકરી પણ કહે છે, કારણ કે તેમને જન્મ આપ્યો નથી. હિંદુ ધર્મના ગ્રંથો મુજબ મનસા દેવીને ભગવાન શિવની પુત્રી માનવામાં આવે છે. જોકે, મનસા દેવીનો જન્મ માતા પાર્વતીની કુખે થયો નહોતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, એક સમયે ભગવાન શિવનું વીર્ય નાગમાતા કદ્રુની મૂર્તિ પર પડી ગયું હતું. ત્યાર બાદ મનસાનો જન્મ થયો હતો. તેથી મનસા દેવીને ભગવાન શિવની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય પોરાણિક ગ્રંથોમાં મનસા દેવીનો જન્મ નાગમાતા કદ્રુના પતિ કશ્યપ ઋષિના મસ્તકથી થયો હોવાનું પણ માનવામાં આવે છે. આમ, મનસા દેવી ભગવાન શિવના પ્રિય નાગરાજ વાસુકીની બહેન પણ થાય છે.
આ પણ વાંચો: હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં આઠ લોકોના મોત, તારમાં કરંટની અફવા કારણભૂત
હરિદ્વારમાં આવેલું છે મનસા દેવીનું મંદિર
હરિદ્વારથી લગભગ ત્રણ કિમી દૂર શિવાલિકના પહાડોમાં બિલવાના પર્વતની ટોચ પર માતા મનસા દેવીનું મંદિર આવેલું છે. આ મંદિરને 52 શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ માનવામાં આવે છે. અહી મનસા દેવીની બે મૂર્તિ છે, જે પૈકીની એક મૂર્તિમાં માતાના ત્રણ મુખ અને પાંચ ભુજાઓ છે. જ્યારે બીજી મૂર્તિમાં માતાની આઠ ભુજાઓ છે. મનસાનો અર્થ મનની ઇચ્છા થાય છે. અહી એક વૃક્ષ આવેલું છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા માટે આ વૃક્ષ પર પવિત્ર દોરો બાંધે છે અને માતાનો આશીર્વાદ લે છે.
આ પણ વાંચો: આ શક્તિપીઠ પર છે બલુચોની અપાર શ્રદ્ધા! અહી પડ્યો હતો સતીના માથાનો ભાગ
આ મંદિર સુધી પહોંચવા માટે લગભગ દોઢ કિમીનું સીધું ચઢાણ ચઢવું પડે છે. અહી જે કોઈ ભક્ત સાચા મનથી માનતા રાખે છે, તેની મનોકામના મનસા દેવી પૂરી કરે છે. રોપ-વે, કાર અથવા બાઈક દ્વારા મંદિર સુધી પહોંચી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે મનસા દેવી સાપ અને કમળ પર બિરાજમાન થયેલા જોવા મળે છે. માતાના ખોળામાં તેમનો પુત્ર આસ્તિક દેવ પણ જોવા મળે છે.પરંતુ ઘણી જગ્યાએ તેને હંસ પર બિરાજમાન થયેલા પણ દર્શાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે સાત નાગ મનસા દેવીની હંમેશાં રક્ષા કરે છે.