સંસદમાં હુમલા બાદ આત્મદાહ કરવાના હતા મનોરંજન અને સાગર, દિલ્હી પોલીસે જણાવ્યો પ્લાન
નવી દિલ્હી: સંસદની સુરક્ષા ભંગ કરનાર 6 લોકોની દિલ્હી પોલીસે કડક પૂછપરછ કરી હતી. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, ગૃહમાં સ્મોક ગન સાથે કૂદવા ઉપરાંત તેમણે સંસદમાં જ આત્મદાહ કરી લેવાની અને પેમ્ફલેટ વહેચવાની પણ યોજના બનાવી હતી તેવું દિલ્હી પોલીસ સામે આરોપીઓએ જણાવ્યું છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ આ કેસની તપાસ કરી રહી છે. જે ભાજપ સાંસદના પ્રવેશકાર્ડ પરથી તેઓ વિઝિટર્સ પાસ બનાવીને સંસદમાં પ્રવેશ્યા હતા તે સાંસદ પ્રતાપ સિંહાનું પણ નિવેદન લેવામાં આવશે. સંસદમાં સુરક્ષાભંગનું કાવતરું ઘડનારા કુલ પાંચ આરોપીઓમાંથી 2 ને સાંસદે જ વિઝિટર્સ પાસ આપ્યા હતા. ડી.મનોરંજન અને સાગર શર્મા સંસદમાં શૂન્યકાળ દરમિયાન વિઝિટર્સ ગેલેરીમાંથી કૂદીને સ્મોક કેનમાંથી પીળો ધુમાડો છોડ્યો હતો.
એક તરફ આ બંને આરોપીઓ ગૃહની અંદર નારાબાજી કરી રહ્યા હતા તો બીજી તરફ તેમના અન્ય 3 સાગરિતો ગૃહની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તેમાંથી એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યો હતો.
આ યોજનાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેમની પાસે એક પ્લાન-B પણ હતો. તેમણે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને ગૃહમાં આત્મદાહ કરવાનું પણ વિચાર્યું હતું, જો કે એ પ્લાન કારગત નીવડ્યો નહિ. તેમજ સંસદમાં પેમ્ફલેટ વહેચવાનું પણ તેમણે નક્કી કર્યું હતું. દિલ્હી પોલીસે આરોપીઓ જે જગ્યાઓ પર મળ્યા હતા તે તમામ જગ્યાએ જઇને તપાસ હાથ ધરી હતી.
આ મામલે હજુ એક છઠ્ઠા આરોપીની પણ ધરપકડ થઇ છે જેનું નામ મહેશ કુમાવત છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ પુષ્ટિ કરીને જણાવ્યું છે કે મહેશ પણ આ યોજનાનો ભાગ હતો. તે રાજસ્થાનના નાગોર જિલ્લાનો રહેવાસી છે. 13 ડિસેમ્બરે તે દિલ્હી આવ્યો હતો. આરોપીઓએ સુરક્ષા ભંગ બાદ પોતપોતાના મોબાઇલનો ડેટા નષ્ટ કરી દીધો હતો. જેમાં મહેશે પણ તેમને સાથ આપ્યો હતો.