દિલ્લીમાં 3 લાખ રખડતાં કૂતરાંને રાખવા સરકારે કરવો પડે 15 હજાર કરોડનો ખર્ચ, ભાજપનાં નેતાએ સુપ્રીમના આદેશની કાઢી ઝાટકણી | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્લીમાં 3 લાખ રખડતાં કૂતરાંને રાખવા સરકારે કરવો પડે 15 હજાર કરોડનો ખર્ચ, ભાજપનાં નેતાએ સુપ્રીમના આદેશની કાઢી ઝાટકણી

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતા શ્વાનોને પકડીને શેલ્ટરમાં શિફ્ટ કરવાના સુપ્રીમ કોર્ેે આપેલા નિર્દેશોનો પ્રાણીપ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના નિર્દેશો ટીકા કરી ચુક્યા છે. હવે ભાજપના નેતા અને એનિમલ રાઈટ્સ એક્ટીવીસ્ટ પ્રાણી મેનકા ગાંધીએ સુપ્રીમ કોર્ટના આદેશને (Maneka Gandhi SC order) વખોડી કાઢ્યો છે..

પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અવ્યવહારુ, આર્થિક રીતે અનુપયુક્ત અને પ્રદેશના પર્યાવરણીય સંતુલન માટે હાનિકારક ગણાવ્યો હતો.

શ્વાનોને જગ્યાએ વાંદરા આવી જશે!
મેનકા ગાંધીએ ધ્યાન દોર્યું કે રખડતા શ્વાનોને દૂર કરવાથી ઘણી મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમને દલીલ કરી, “જો દિલ્હી-એનસીઆરમાંથી શ્વાનોને દુર કરવામાં આવશે, તો 48 કલાકની અંદર જ ગાઝિયાબાદ, ફરીદાબાદથી ત્રણ લાખ શ્વાનો આવી જશે. કારણ કે અહીં દિલ્હીમાં ખોરાક ઉપલબ્ધ છે. જો શ્વાનોને હટાવવામાં આવશે તો વાંદરાઓ આવી જશે… મેં મારા ઘરે આવું બનતા જોયું છે.”

શહેર ઉંદરોથી ભરાઈ જશે!
ફ્રાંસના પેરિસમાં કરવામાં આવેલી સમાન કાર્યવાહી અને તેના પરિણામનો ઉલ્લેખ કરતા મેનકા ગાંધીએ કહ્યું, “જ્યારે 1880ના દાયકામાં પેરીસમાંથી શ્વાનો અને બિલાડીઓને હટાવવામાં આવ્યા હતાં, ત્યારે શહેર ઉંદરોથી ભરાઈ ગયું હતું.”

શું દિલ્હી સરકાર પાસે આટલા રૂપિયા છે?
મેનકા ગાંધીએ શ્વાનોને હટાવવા અને શેલ્ટર ફેસીલીટીમાં રાખવાની પ્રક્રિયાને ખુબ જ ખર્ચાળ ગણાવી હતી. મેનકા ગાંધીએ કહ્યું “દિલ્હીમાં ત્રણ લાખ રખડતા શ્વાનો છે. તે બધાને હટાવવા માટે, તમારે 3,000 શેલ્ટર બનાવવા પડશે, જેમાં દરેકમાં ડ્રેનેજ, પાણી, શેડ, રસોડું અને ચોકીદારની વ્યવસ્થા કરવી પડશે. આનો ખર્ચ લગભગ 15,000 કરોડ રૂપિયા થશે. શું દિલ્હી પાસે આ માટે 15,000 કરોડ રૂપિયા છે?”

મેનકા ગાંધીએ જણાવ્યું કે શેલ્ટર્સમાં કૂતરાઓને ખોરાક પૂરો પાડવા માટે દર અઠવાડિયે 5 કરોડ રૂપિયાની પણ જરૂર પડશે.

બંનેમાંથી કયો આદેશ સાચો?
મેનકા ગાંધીએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સવાલ ઉઠવાતા કહ્યું, “માત્ર એક મહિના પહેલા, સુપ્રીમ કોર્ટની બીજી બેન્ચે આ જ મુદ્દે અલગ ચુકાદો આપ્યો હતો. હવે એક મહિના પછી, બે સભ્યોની બેન્ચ બીજો ચુકાદો આપે છે. બંનેમાંથી કયો ચુકાદો સાચો છે? સ્વાભાવિક છે કે, અગાઉનો ચુકાદો, કારણ કે તે પક્ષકારોની સંમતિથી લેવાયેલો નિર્ણય છે.”

આપણ વાંચો:  આધાર કાર્ડ ભારતની નાગરિકતાનો પુરાવો નથી તો ક્યા ડોક્યુમેન્ટના આધારે નાગરિકતા મળે ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button